રાજકોટ શહેરમાં બેફામ વાહન ચલાવતા ચાલકો પર જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ વધુ એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા એરપોર્ટ ફાટક નજીક આવેલી સ્વસ્તિક સોસાયટી પાસે એક કાર ચાલકે પોતાની ગતિ પરથી કાબૂ ગુમાવતા માર્ગ પરથી પસાર થઈ રહેલા બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, બાઈક સવાર ફંગોળાઈને દૂર પડ્યો હતો.


સ્વસ્તિક સોસાયટી પાસે કારે બાઈકને લીધું અડફેટે

ઘટનાની મળતી માહિતી અનુસાર, કાર ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો, ત્યારે સ્વસ્તિક સોસાયટી પાસેથી પસાર થતા બાઈક ચાલકને પોતાની અડફેટે લીધો હતો. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ ઘટનામાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

સમગ્ર ઘટનાના લાઈવ CCTV દ્રશ્યો આવ્યા સામે

આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કારની ગતિ કેટલી બેફામ હતી અને બાઈક સવારને જોવાની તક મળે તે પહેલા જ કારે તેને જોરદાર ઠોકર મારી હતી. આ CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે, જે જોઈને લોકોમાં વાહન ચાલકની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસે CCTV ના આધારે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત સ્થળના પંચનામા સાથે CCTV ફૂટેજ કબજે કર્યા છે અને કાર ચાલકની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટમાં વધતા જતા માર્ગ અકસ્માતોને લઈ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવાની માગ ફરી એકવાર ઉઠી છે.


આ પણ વાંચો - Rajkot : રાજકોટ પોલીસનો મહાધડાકો, 2500 કરોડના સાયબર ફ્રોડમાં બેંકના 3 કર્મચારીઓ ઝડપાયા


  • Follow us on: