અમદાવાદ, બોટાદ, અમરેલી સહિતના વિસ્તારોમાં હાથફેરો કર્યાનું ખુલ્યું, એક સાગરીતની શોધખોળ પણ કરાઈ રહી છે, વિંછીયા સહિત સૌરાષ્ટ્રભરમાં ધોળા દિવસે ચોરીને અંજામ આપનાર ગેંગને રૂરલ એલસીબીની ટીમે પકડી પાડી રૂ.5.04 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આંકડીયા ગામમાં ખેડૂત ભાઈઓના ત્રણ ઘરમાં ત્રાટકી રૂ.8 લાખથી વધુની મતા ઉસેડી ગયાંના ગુનાનો પણ ભેદ ઉકેલાયો હતો.

પોલીસે પાનુ, ડિસમિસ સહિત ચોરીનો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં અન ડિટેકટ ચોરી, લુંટ, ધાડના ગુનાઓ તુરંત શોધી કાઢી આરોપીઓને પકડી પાડવાની આપેલ સુચના અને માર્ગદર્શનથી રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહીલ, આર.વી. ભીમાણી ટીમ સાથે તપાસમાં હતાં. ત્યારે પીએસઆઈ એચ.સી.ગોહીલ, એએસઆઈ અમીતભાઇ કનેરીયા, હેડ કોન્સ્ટેબલ વાઘાભાઇ આલ અને કોન્સ્ટેબલ મેહુલભાઇ સોનરાજ દ્વારા વિંછીયા પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવા સ્થળ આજુબાજુના તેમજ હાઇવે રોડ વિસ્તારના ઘણા બધા સીસીટીવી ફુટેજ ચેક કરી, ટેકનીકલ અને હ્યુમન સોર્સીસથી માહિતી મેળવી.

અત્યાર સુધીમાં કયાં કયાં ચોરી કરી તેને લઈ તપાસ કરાઈ

ખાનગી રાહે મળેલ હકિકત આધારે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી ત્રણ શખ્સો ભરત ઉર્ફે પથુ મનુ જસમત વાઘેલા (ઉ.વ.23, ધંધો.ભંગાર વીણવાનો, રહે. નવાણીયા ગામ, તા.વલ્લભીપુર), મુકેશ ઉર્ફે કાબલી ઉર્ફે ભોપો રમેશ સોલંકી, ઉ.વ.32, રહે. ચોગઠ, ઉમરાળા) અને રાજેશ ભુપત પરમાર, (ઉ.વ.27, રહે. નાની પાણીયાળી ગામ (શેત્રુંજી ડેમ) પાલીતાણા) ને વિંછીયાના મોઢુકા ગામના પીક સ્ટેન્ડ પાસેથી પકડી પાડી સોનાનો ઢાળીયો, સોનાનો ટુકડો, રોકડ રકમ, ઘરફોડ ચોરી કરવા ઉપયોગમા લીધેલ સાધનો, બાઈક મળી કુલ રૂ.5,04,600 નો મુદામાલ કબ્જે કરી પૂછતાછ આદરી હતી.

ધોળા દિવસે ચોરીને આપતા હતા અંજામ

પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલ ગેંગનો એક સાગરીત સંજય ઉર્ફે સી.જે. મનુ વાઘેલ (રહે. નવાણીયા ગામ, વલ્લભીપુર) પોલીસ પકડથી દૂર રહેતાં તેની શોધખોળ યથાવત રખાઈ છે. પોલીસે પકડેલા ઘરફોડ ચોરી કરતી ગેંગના સાગરીતો પાસેથી ચોરી કરેલ સોનાનો ઢાળીયો તથા એક નાનો ટુકડો રૂ.2,69,350, રોકડા રૂ.1.30 લાખ, ઘરફોડ ચોરીમાં ઉપયોગમા લીધેલ સાધનો પાનુ/ડીસમીસ/કટર, મોબાઇલ ફોન અને એક બાઈક સહિત રૂ.5,04,600 નો મુદામાલ કબ્જે કર્યો હતો.

ગામની બહાર આવેલ મકાનોને નિશાન બનાવતાં

ઘરફોડ ચોરી કરતી ગેંગે દોઢેક મહીના પહેલા બાબરાના નાની કુંડળ ગામની વાડી સીમમાં આવેલ એક મકાનમાં બપોરના સમયે દરવાજાના નકુચા તોડી ઘરમાં રાખેલ કબાટની તીજોરી તોડી તેમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરેલ, વીસેક દિવસ પહેલા બપોરના સમયે ધંધુકાના આંકરૂ ગામે એક બંધ મકાનમાં રૂમનું તાળુ તોડી મકાનમાં મમાં રાખેલ તીજોરીનો લોક તોડી તેમાંથી સોનાના દાગીના, રોકડા રૂપિયાની ચોરી કરેલ, દશેક દિવસ પહેલા ઢસાના સીતાપર તથા લીંબડીયા ગામ ગયેલ હતા અને બે મકાનના તાળા તોડી તેમાંથી ચોરી કરેલ હતી.


આ પણ વાંચો : Amreli News : અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નકલી ખાતર બનાવતી ફેકટરીનો કર્યો પર્દાફાશ, ખેડૂતોને પધરાવતા હતા બોગસ ખાતર