સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક મોટી સફળતા હાંસલ કરતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીના નેટવર્કને તોડી પાડ્યું છે. બેંગકોકથી સુરત આવેલી એક મહિલા મુસાફરની શંકાસ્પદ હિલચાલને આધારે તપાસ કરતા તેની પાસેથી મોટી માત્રામાં પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો. કસ્ટમ વિભાગના અધિકારીઓએ મહિલાના સામાનની સઘન તપાસ દરમિયાન અંદાજે 3114.15 ગ્રામ (આશરે 3.1 કિલો) ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા નશીલા પદાર્થની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.
બેંગકોક કનેક્શન ખુલ્યું
કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, મહિલાએ આ ડ્રગ્સને ખૂબ જ ચાલાકીપૂર્વક છુપાવ્યું હતું, પરંતુ એક્સ-રે સ્કેનિંગ અને બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થયા બાદ ડ્રગ્સ હેરાફેરીની આ મોટી ઘટના સામે આવતા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. હાલમાં કસ્ટમ અને અન્ય સુરક્ષા એજન્સીઓ એ તપાસ કરી રહી છે કે આ મહિલા કોના ઈશારે આટલો મોટો જથ્થો સુરત લાવી હતી અને શહેરમાં આ માલ કોને પહોંચાડવાનો હતો. મહિલા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.













