સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ભેળસેળિયા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. માંડવી તાલુકાના ખેડપૂર ગામે આવેલી એક સોસાયટીના મકાનમાં ચાલતા નકલી ઘીના કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પાડવામાં આવેલી રેડમાં લાખોની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો અને બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ પેકિંગ મટિરિયલ મળી આવ્યા છે.
રહેણાંક મકાનમાં ચાલતું હતું નેટવર્ક
માંડવી પોલીસ મથકના પીએસઆઈ કે. વી. પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે, ખેડપૂરની અગ્રેશ્વર સિટી પોઈન્ટ સોસાયટીમાં મકાન નંબર 400માં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી 810.5 લીટર શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું, જેની બજાર કિંમત આશરે રૂપિયા 6,65,870 જેટલી થાય છે.
બ્રાન્ડેડ નામે વેચાણની તૈયારી
આરોપી હેમરાજ રાજપુરોહિત દ્વારા આ મકાનમાં 'YADUGIRI PURE COW GHEE' ના નામે નકલી ઘીનું પેકિંગ કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી હજારોની સંખ્યામાં ડુપ્લીકેટ સ્ટીકરો, ઈલેક્ટ્રોનિક વજન કાંટો, ગેસ સિલિન્ડર, બેચ કોડિંગ મશીન અને પેકિંગ માટેના અન્ય સાધનો જપ્ત કર્યા છે. આ ઉપરાંત, ત્યાંથી શંકાસ્પદ ટોયલેટ ક્લીનર અને તમાકુનો જથ્થો પણ મળી આવ્યો છે.
કુલ 7.30 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ઘી, પેકિંગ મશીનરી અને અન્ય સામાન મળી કુલ 7,30,715 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શંકાસ્પદ ઘીના નમૂના લઈ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ મામલે માંડવી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે કે, આ જથ્થો ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો.
આ પણ વાંચો - Surat: તાપી નદીમાં ન્હાવા પડેલા બે કિશોરોના મોત, 38 કલાકની શોધખોળ બાદ ધોરણ-10ના વિદ્યાર્થીનો મળ્યો મૃતદેહ









