સુરત શહેરમાં જાહેર પરિવહનની જીવાદોરી ગણાતી BRTS બસમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુસાફરી દરમિયાન માત્ર સીટ પર બેસવા જેવી સામાન્ય બાબતે બેથી ત્રણ અજાણ્યા શખ્સોએ હેમરાજ પાટિલ નામના યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. બસમાં મુસાફરોની હાજરી હોવા છતાં, હુમલાખોરોએ નિર્ભય બનીને હથિયાર ઉગામતા બસમાં અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં હેમરાજને ગંભીર ઈજાઓ પહોંચતા બસમાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
રક્તરંજિત મુસાફરી
ઘટનાને પગલે ગભરાયેલા મુસાફરો અને બસ ચાલકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત હેમરાજ પાટિલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને બસમાં લાગેલા CCTV ફૂટેજની તપાસ હાથ ધરી છે. જાહેર બસમાં આ પ્રકારે હિંસક હુમલો થતા મુસાફરોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે.













