સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા મોટા સાયકલ કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અન્ય રાજ્યોમાંથી બિલ વગરની અને ISI કે BIS માર્ક વગરની હલકી ગુણવત્તાની સાયકલો મંગાવીને સુરત સહિત સમગ્ર રાજ્યમાં વેચવાનું મોટું નેટવર્ક કાર્યરત હતું. ફેડરેશન ઓફ ગુજરાત બાયસિકલ એન્ડ ટોય એસોસિએશનના પ્રમુખ મિલન ઢાકેચાએ જાતે સ્ટિંગ ઓપરેશન કરી આ કૌભાંડના પુરાવા એકઠા કર્યા હતા. ત્યારબાદ પોલીસ કમિશનરને કરવામાં આવેલી રજૂઆતના આધારે ચોકબજાર અને સરથાણા પોલીસની ટીમોએ વિવિધ સ્થળોએ દરોડા પાડી અંદાજે 400 જેટલી શંકાસ્પદ સાયકલોનો જથ્થો કબ્જે કર્યો છે.


ચોકબજાર અને સરથાણામાં પોલીસની તવાઈ

આ કૌભાંડમાં આશ્ચર્યજનક બાબત એ છે કે, ઠગબાજો રૂ. 1800ની કિંમતની સાયકલને રૂ. 2500 જેવી ઊંચી કિંમતે વેચીને મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા હતા. આ સાયકલોને સરકારી યોજનાની હોવાનું કહીને પણ પધરાવી દેવામાં આવતી હોવાની આશંકા છે. એક અંદાજ મુજબ, છેલ્લા માત્ર ત્રણ મહિનામાં જ સુરતમાં રૂ. 10 થી રૂ. 15 કરોડની આવી બિનઅધિકૃત સાયકલો વેચાઈ હોઈ શકે છે. હાલમાં પોલીસે CrPC કલમ 41(1)d મુજબ ગુનો નોંધીને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે ઊંડી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Gandhinagar News : GPSC દ્વારા શિક્ષણ વિભાગમાં બમ્પર ભરતી, વર્ગ-1 ના મહત્વના પદો માટે જાહેરાત

  • Follow us on: