ડાયમંડ સિટી સુરતમાં ફરી એકવાર નબીરાઓનો આતંક જોવા મળ્યો છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે પૂરઝડપે કાર હંકારી ભીષણ અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં બે નિર્દોષ બાઇક ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે એક લક્ઝરી કારચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તા પર પસાર થઈ રહેલા બે બાઇક ચાલકોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, કારચાલક યુવક જાણીતો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે અને તે સમયે તે સંપૂર્ણપણે દારૂના નશામાં ધૂત હતો.
કારમાંથી મળ્યો દારૂ
અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ જ્યારે કારની તપાસ કરી તો અંદરથી દારૂ મળી આવ્યો હતી. લોકોનો આક્ષેપ છે કે, ઇન્ફ્લુએન્સર નશાની હાલતમાં બેફામ ગાડી ચલાવી રહ્યો હતો, જેના કારણે આ હોનારત સર્જાઈ હતી. આ અકસ્માત બાદ હાજર લોકોએ નશામાં દારૂડિયા કારને માર મારવામાં આવ્યો હતો. આ સાથે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ સુરત પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માત સર્જનાર યુવકની અટકાયત કરી છે અને તેની કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. યુવકનું મેડિકલ પરીક્ષણ કરાવીને તે ખરેખર નશામાં હતો કે નહીં તેની પુષ્ટિ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે મથતા આ યુવકની એક બેદરકારીએ બે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - Surat મનપાની ઘોર બેદરકારી, ઘસાઈ ગયેલા ટાયર અને જોખમી અવાજ સાથે દોડતી સિટી બસનો Video Viral