અમદાવાદની વિવિધ 15 શાળાઓમાં ઈમેલ દ્વારા મળેલી બોમ્બની ધમકીને પગલે સમગ્ર રાજ્યમાં ફફડાટ ફેલાયો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ શહેરના તમામ વ્યૂહાત્મક સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે.


હોટલોમાં ચેકિંગ અને CCTV મોનિટરિંગ

સુરત પોલીસ દ્વારા શહેરની તમામ મોટી અને પ્રતિષ્ઠિત હોટલોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી છે. હોટલમાં રોકાતા મુસાફરોની વિગતો અને આઈડી પ્રૂફની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, સુરત શહેરના કંટ્રોલ રૂમ દ્વારા તમામ મુખ્ય જંક્શનો અને સંવેદનશીલ વિસ્તારોમાં લાગેલા CCTV કેમેરા દ્વારા સતત બાજ નજર રાખવામાં આવી રહી છે.

ઉચ્ચ અધિકારીઓ મેદાને

JCP (જોઈન્ટ પોલીસ કમિશનર) કક્ષાના અધિકારીઓએ શહેરના તમામ પોલીસ સ્ટેશનોને હાઈએલર્ટ પર રહેવા અને પેટ્રોલિંગ વધારવા આદેશ આપ્યા છે. કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી મોટી દુર્ઘટના સમય પહેલા ટાળી શકાય.

SOG અને બાતમીદારો એક્ટિવ

સુરત શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓએ તેમના બાતમીદારોના નેટવર્કને પણ એક્ટિવ કરી દીધું છે, જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને બનતા અટકાવી શકાય. પોલીસ તંત્રએ નાગરિકોને ગભરાવાને બદલે સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.


આ પણ વાંચો - Suratમાં સિટી બસને લઇ પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં, લોકો જીવન જોખમે મુસાફરી કરતા જોવા મળ્યા, જુઓ Video



  • Follow us on: