સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રો રેલની કામગીરી દરમિયાન કન્સ્ટ્રક્શન સાઇટ પરથી કિંમતી સામાનની ચોરી કરતી ટોળકીને અડાજણ પોલીસે ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા મેહુલ રાઠોડ, સતિષ રાઠોડ અને હિતેશ રાઠોડ નામના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો મેટ્રોની સાઇટ પરથી કેબલ અને અન્ય કિંમતી સામાનની ચોરી કરીને ફરાર થઈ જતા હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેઓ ગણતરીના સમયમાં જ કાયદાના સકંજામાં આવી ગયા છે.


અડાજણ પોલીસની સફળતા

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી ચોરી કરેલા કેબલ, વાયર, વેલ્ડિંગ વાયર અને ઔદ્યોગિક સોકેટ સહિત કુલ રૂપિયા 1.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં અડાજણ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આ ટોળકીએ અગાઉ અન્ય કોઈ સ્થળે ચોરી કરી છે કે કેમ અને તેમની સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Narmada News : એકતાનગરના આકાશમાં રંગોનો મેળો, SOU ખાતે 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

  • Follow us on: