સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ-અમદાવાદ હાઈવે પરથી હથિયારોની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ થયો છે. બજાણા પોલીસની ટીમ જ્યારે કચોલીયા ગામના પાટીયા પાસે પેટ્રોલિંગમાં હતી, ત્યારે શંકાસ્પદ હાલતમાં જણાતા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જેપુર ગામના જયકુમાર ભરતભાઈ પટેલની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદૂક મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક હથિયાર જપ્ત કરી યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બજાણા પોલીસની મોટી કાર્યવાહી

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઝડપાયેલા આરોપી જયકુમારે કબૂલાત આપી હતી કે આ દેશી બંદૂક તેને બોટાદના જાણીતા બુટલેગર મુનાફ માંકડે પૂરી પાડી હતી. આ કબૂલાતના આધારે બજાણા પોલીસે જયકુમાર અને હથિયાર સપ્લાય કરનાર મુનાફ માંકડ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા બોટાદના બુટલેગરને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.