ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સીમર ગામે સર્જાયેલા કરૂણ હત્યાકાંડમાં નવાબંદર પોલીસને મોટી સફળતા મળી છે. પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયેલા પતિ જગા ડાભીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
સામાન્ય ઝઘડો હત્યામાં પરિણમ્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર, સીમર ગામના વાડી વિસ્તારમાં રહેતા જગાભાઈ ડાભી અને તેમની 45 વર્ષીય પત્ની વચ્ચે રવિવારની સાંજે કોઈ અકળ કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડાએ એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જે દરમિયાન આવેશમાં આવી જગાભાઈએ ઘરમાં પડેલો દસ્તો પત્નીના માથામાં ઝીંકી દીધો હતો. માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી પતિ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.













