વડોદરામાં મંજુસરની હદના આસોજ ગામમાં ગઈકાલે રાતે LCBની ટીમે ભારતીય ચલણની રૂ.500 અને રૂ.200ની બનાવટી નોટો છાપતા બે ભેજાબાજને ઝડપી લીધાં હતાં. આ ગુનામાં પોલીસે બંને પરપ્રાંતીય શખસને આજે કોર્ટમાં રજૂ બે દિવસના રિમાન્ડ મેળવ્યાં હતાં.
નકલી ચલણી નોટો છાપવાના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો
વડોદરા ગ્રામ્ય પોલીસની લોકલ કાઈમ બ્રાન્ચની ટીમે ગઈકાલે એક સચોટ બાતમીના આધારે મંજુસરના આસોજ ગામે દરોડો પાડીને ભારતીય ચલણની બનાવટી નોટો છાપવાના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી બે શખ્સોને રંગેહાથે ઝડપી પાડી, તેમની પાસેથી રૂાપ૦૦ ના દરની ૧૪ નોટ, રૂા૨૦૦ ના દરની ૨ નોટ, લેપટોપ, કલર પ્રિન્ટર અને ફોન સહિત કુલ રૂ.૫૨,૬૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નરેન્દ્ર જંગલાલ પાલ (રહે. ઉત્તર પ્રદેશ) અને હેમંત મદનલાલ જાગીડ (રહે. મહારાષ્ટ્ર)ને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.
રવિવારી બજારમાં સાંજના સમયે નકલી નોટો વટાવતા હતાં
આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે, તેઓ અસલ ચલણી નોટોને સફેદ કાગળ પર ચોંટાડીને કલર પ્રિન્ટર દ્વારા તેની આબેહૂબ નકલ કાઢતા હતા. ત્યારબાદ આ નોટોને માપ પટ્ટીની મદદથી કાતર વડે વ્યવસ્થિત કાપીને બજારમાં વટાવવા લાયક બનાવતા હતા. આ મામલે સુત્રો પાસે જાણવા મળ્યું હતું કે. આ શખ્સો મંજુસર ટાઉનમાં ભરાતા રવિવારી બજારમાં ઢળતી સાંજે ભીડનો લાભ લઈને આ નોટો વટાવતા હતા. આ ઉપરાંત રાતના સમયે કેટલાક લારી-ગલ્લા પર પણ તેનો ઉપયોગ કરતા હતાં. જોકે, બંને ચોક્કસ કેટલી બોગસ નોટનો ઉપયોગ કર્યો ? તેની પોલીસ તપાસ કરી રહી છે.
ઓરડીના માલિકે કેટલું ભાડું લીધું ? તેની વિગતો બહાર આવી નથી
આસોજ ગામના સાવલી રોડ પર આવેલી જયેશભાઈ પટેલે બંને પરપ્રાંતીયોને ઓરડી ભાડે આપી હતી. આ બંને શખસ એક ખાનગી કંપનીમાં કામ કરતા અને ભાડે આપેલી ઓરડીઓમાં નકલી નોટો છાપી રહ્યાં હતાં. ઓરડી ભાડે આપનારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી હતી ? બંનેને ઓરડી ક્યારે ભાડે આપી અને માસિક કેટલું ભાડું વસૂલ્યું ? તેની પણ વિગતો પોલીસ તપાસમાં બહાર આવી નથી.









