વડોદરા જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ GEBના ટ્રાન્સફોર્મરમાંથી કોપરની ચોરી કરતી કુખ્યાત ‘જોગી ગેંગ’ને ઝડપી પાડી હતી. પોલીસે ૬ સભ્યોની ધરપકડ કરી પાસેથી રૂ.૪.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, કરજણ તાલુકાના કોઠીયા ગામ પાસે આ ગેંગ ફરી રહી છે.
વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રાન્સફોર્મર તોડીને કોપરની ચોરી કરાઈ છે
આ ચોરીનો માલ કરજણ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં વેચવા માટે લવાયો છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડી ગોડાઉન માલિક મોહનલાલ રબારી સહિત અન્ય પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મોહનલાલ રબારી, અજય કાલબેલિયા, લક્ષ્મણ કાલબેલિયા, ગણેશ કાલબેલિયા, લાલો કાલબેલિયા અને ગોવિંદ કાલબેલિયાનો સમાવેશ થાય છે. આ ગેંગ મુખ્યત્વે રાજસ્થાનની વતની છે. હાલ વડોદરાના વિવિધ વિસ્તારોમાં રહીને ચોરીને અંજામ આપતી હતી.









