વડોદરામાં એસબીઆઇ બેંક પાસેથી બોગસ દસ્તાવેજોના આધારે 1 કરોડ ઉપરાંતની હોમ લોન લેવાનું કૌંભાડ ઝડપાયું છે. બેંક દ્વારા આ મામલે 16 વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ કરી છે.
એજન્ટોએ લોન ધારકોના બોગસ દસ્તાવેજ બેંકમાં આપ્યા
વડોદરામાં બહાર આવેલા આ ચૌંકાવનારા હોમ લોન કૌંભાડની નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ એજન્ટોએ કેટલાક લોકો નોકરી કરતા ના હોવા છતાં તેમની પાસેથી 170500 જેટલું કમિશન મેળવીને લોનધારકોના નામના અલગ અલગ બેંકના બોગસ સ્ટેટમેન્ટ બનાવ્યા હતા. આ ઉપરાંત આ લેભાગુઓએ લોન ધારકોના બોગસ આઇ કાર્ડ, એપોઇન્ટમેન્ટ લેટર, સેલરી સ્લીપો તથા ફોર્મ 16ના બોગસ દસ્તાવેજો તૈયાર કરી બેંકમાં જમા કરાવ્યા હતા.
ખોટુ જોબ વેરીફિકેશન કર્યું
ઉપરાંત એસબીઆઇ બેંકના એસએસએલ એજન્ટો પણ આ એજન્ટો સાથે મિલીભગતમાં આ લોન ધારકોની ફાઇલોને બેંકમાં રજૂ કરી કે.પ્રવિણચન્દ્ર એન્ડ એસોસિએટ નામની પેઢી તથા તેના ફિલ્ડ એક્ઝીક્યુટીવોએ આ હોમ લોન ધારકોના નોકરી અને રહેણાંક સ્થળોએ ખોટા વેરીફીકેશન કર્યા હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો.
બેંકમાંથી 1.97 કરોડની હોમ લોન લીધી
આ એજન્ટોએ અલગ અલગ હોમ લોન ધારકોના બોગસ દસ્તાવેજોના આધારે એસબીઆઇ બેંકમાંથી 1.97 કરોડ ની અલગ અલગ બેંક લોનો મેળવી હતી અને બેંકમાં રહેલા જનતાના નાણાંની ઉચાપત કરી હતી.
આટલા લોકો સામે ગુનો નોંધાયો
આ મામલે એસબીઆઇ ઇલોરા પાર્કના મેનેજર યજ્ઞેશ મનુભાઇ પટેલે ગોરવા પોલીસમાં લોનધારકો શંપા મહિરી ચેટર્જી, ધીરજ રાજાભાઇ વાઘેલા, શેતલબેન ભાવેશ દેસાઇ, બાબુ મનુ સામી, અનિલ ગણપતભાઇ નાલવડે, શ્રીકાંત શાનુભાઇ સોલંકી તથા એજન્ટો દર્શક ઉર્ફે દર્શીત પટેલ, સંતોષ બાલકૃષ્ણ પાર્ટે તથા રણજીત આહિર ઉપરાંત બેંકના આરએસએલ એજન્ટો શ્રીપ્રકાશ દ્વિવેદી, ધર્મેન્દ્ર વૃંદાવનભાઇ વાઘેલા તથા ફિલ્ડ એક્ઝિક્યુટીવ વિપુલ અરવિંદ વાળંદ, ગજેન્દ્રસિંહ દિલીપસિંહ પરમાર તથા અમીર સોહેલ નબીમિયા કુરેશી અને અલ્કેશ ભીમસિંહ બારીયા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.










