Cryptocurrency .. Currency is virtual just like relationship-service-sensation
  • Home
  • Columnist
  • ક્રિપ્ટોકરન્સી.. સંબંધ-સેવા-સંવેદનાની જેમ જ ચલણ પણ આભાસી

ક્રિપ્ટોકરન્સી.. સંબંધ-સેવા-સંવેદનાની જેમ જ ચલણ પણ આભાસી

 | 7:20 am IST
  • Share

  • ક્રિપ્ટોકરન્સીનું ચિત્ર ધ્યાન પર આવ્યા પછી ભારત સરકાર આ આભાસી ચલણના ભેદી કારોબાર પર નિયંત્રણ સ્થાપિત કરવા યોજના બનાવી રહી છે.. ક્રિપ્ટોકરન્સીના રોકાણ, ખર્ચ, માઈનિંગ અને ટ્રેડિંગના વ્યવહારોને કરપાત્ર બનાવવામાં આવે તે દિશામાં વૈચારિક પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.. સંસદના શિયાળુ સત્રમાં ખરડો પણ રજૂ થશે..

  • સંબંધ, સેવા અને સંવેદનાના ક્ષેત્રમાં તકલાદીપણું અને બનાવટ કોઈ નવી વાત રહી નથી. ચલણ બનાવટી અને આભાસી હોય તે ચોક્કસ જ હજી નવું છે.. એક કહેવત ખૂબ જૂની અને જાણીતી છે કે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતા નથી..

બિટકોઈનના નામે સૌપ્રથમ પ્રચારમાં આવેલી ક્રિપ્ટો કરન્સીનો વ્યાપ તીવ્ર ગતિથી વધી રહ્યો છે. આ આભાસી ચલણમાં રોકાણ અને તેના વ્યાપાર મુદ્દે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે ભારતમાં ક્રિપ્ટો વપરાશકર્તાની સંખ્યા 10 કરોડને પાર થઈ ગઈ છે. વીતેલા 12 મહિનામાં ગ્લોબલ સર્ચ, ક્રિપ્ટો માલિકની સંખ્યા, ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ અને અન્ય કેટલાક મુદ્દા જોતા ભારત વિશ્વનો 7મો સૌથી વધુ ક્રિપ્ટો જાગૃત દેશ બન્યો છે. 10માંથી 4.39 ગુણ પ્રાપ્ત કરી આભાસી ચલણના વિશ્વમાં આપણે કેનેડા, સિંગાપુર, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા અને જાપાનને પાછળ મૂકી દીધા છે.

ચેઈના લેટિક્સના ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ 2021ના અહેવાલ મુજબ તો વિશ્વના 154 દેશોમાં ભારત બીજા સ્થાને છે અને આભાસી ચલણમાં થતી વૈશ્વિક લેવડદેવડમાં 42 ટકા વ્યવહાર ભારતથી થાય છે. આ ચિત્ર ધ્યાન પર આવ્યા પછી ભારત સરકાર આભાસી ચલણના ભેદી કારોબાર પર નિયંત્રણ સ્થાપિત કરવા યોજના બનાવી રહી છે. ક્રિપ્ટો કરન્સીના રોકાણ, ખર્ચ, માઈનિંગ અને ટ્રેડિંગના વ્યવહારોને કરપાત્ર બનાવવામાં આવે તે દિશામાં વૈચારિક પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. સંસદ સમક્ષ આ મુદ્દે રજૂ થઈ ગયેલું બિલ પબ્લિક ડોમિનમાં મુકાયું ન હોવાથી તેમાં સમાવિષ્ટ મુદ્દાઓ સ્પષ્ટ થઈ શક્યા નથી. આભાસી ચલણ વિશે પ્રવર્તતી ભ્રમણાઓ અને વાસ્તવિકતાનો વિષય ચોક્કસ થોડો હટીને છે.

બિટકોઈનના નામે વર્ચ્યુઅલ કરન્સીથી બજારમાં ઓળખાતું થયેલું આભાસી ચલણ એક વર્ષમાં 3500 ટકાના ઉછાળા સાથે સૌના આકર્ષણની કેન્દ્ર બન્યું છે. બિટકોઈનનો ઈતિહાસ બહુ જૂનો નથી. 18 ઓગસ્ટ 2008ના રોજ બિટકોઈન નામનું ડોમેઈન નોંધાયું. જાન્યુઆરી 2009માં સાતોશી નાકામોટા નામના અજ્ઞાત જાપાનીસે ઈન્ટરનેટ પર ઓપન સોર્સ તરીકે બિટકોઈન સોફ્ટવેર પ્રચલિત કર્યું. જટિલ કોમ્પ્યુટર પ્રક્રિયાથી  બિટકોઈન તૈયાર કરવામાં આવે તેને બિટકોઈન માઈનિંગ કહેવામાં આવે છે. બિટકોઈન બનાવવા માટે અતિઆધુનિક અને શક્તિશાળી કોમ્પ્યુટર ઉપરાંત માઈનિંગ સોફ્ટવેરની જરૂર પડે છે. બિટકોઈનના ડોમેઈનમાં મહત્તમ સંખ્યા 2,10,00,000 બિટકોઈનની નિશ્ચિત કરેલી મર્યાદા સામે 1,65,00,000 બિટકોઈન બજારમાં આવી ચૂક્યા છે.

ગુજરાતી સંશોધક એવા પ્રાધ્યાપિકા મધુબેન પટેલનું શોધપત્ર જોઈએ તો આ તમામ વિગતોનો આધાર પુરાવા સાથે ઉલ્લેખ હાથવગો થઈ જાય. આજે બિટકોઈન કોઈ પણ દેશનું અધિકૃત ચલણ નથી અને તેથી જ તેની પર કોઈ સરકારી નિયંત્રણ પણ નથી. સંપૂર્ણ ગુપ્ત ચલણની આભાસી વિશ્વસનિયતા આ ચલણના પ્રચલનનું મુખ્ય પ્રેરક બળ છે. આખી દુનિયામાં ગમે ત્યાં ખરીદી કે વેચી શકાતું આ ચલણ ફક્ત એક કોડરૂપે માલિક પાસે રહેતું હોવાથી છુપાવીને રાખી શકાય છે. 2009માં જેની કિંમત શૂન્ય ડોલર હતી તે બિટકોઈન આજે આ લખાય છે ત્યારે બે ટકાના ઉછાળા સાથે 54,834 ડોલરનો થઈ ગયો છે.

અમેરિકામાં ક્રિપ્ટો કરન્સી ફ્યુચરમાં ઈટીએફ શરૂ થયા બાદ ક્રિપ્ટો ફંડના રોકાણમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો, જેમાં 99 ટકા હિસ્સેદારી ફક્ત બિટકોઈનની હતી. ભારતની વાત કરીએ તો કોરોના મહામારીના પ્રારંભે એપ્રિલ 2020માં 923 મિલિયન ડોલર અંદાજિત 7000 કરોડ રૂપિયાનું રોકાણ ક્રિપ્ટો કરન્સીમાં હતું, જે 13 મહિનાના સમયગાળામાં મે 2021ની સ્થિતિએ વધીને 6.6 બિલિયન ડોલર અંદાજિત 50,000 કરોડ રૂપિયાનું થઈ ગયું છે. 2030 સુધીમાં આભાસી ચલણમાં રોકાણનો આંક 15.6 બિલિયન ડોલર (અંદાજિત 1.16 લાખ રૂપિયા) થવાનું અનુમાન છે.

ભારતમાં ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રીના શીર્ષકથી પ્રકાશિત નાસ્કોમના રિપોર્ટ મુજબ 60 ટકાથી વધુ રાજ્ય ક્રિપ્ટો ટેક અપનાવનારના રૂપમાં ઊભરી રહ્યા છે. આ ક્ષેત્રમાં 230થી વધુ સ્ટાર્ટઅપ પહેલેથી જ કામ કરી રહ્યા છે. ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રીના માધ્યમથી 2030 સુધીમાં 8,00,000થી વધુ નોકરીનું સર્જન કરવાનું અનુમાન છે. અહીં કહેવાની જરૂર જણાતી નથી કે, આ અનુમાન એ આભાસી ચલણ જેટલું જ આભાસી છે. સિનેજગતના અમિતાભ બચ્ચન, રણવીરસિંહ અને સલમાન ખાન જેવા લોકપ્રિય નટો ક્રિપ્ટો કરન્સીનો પ્રચાર કરતા વિજ્ઞાપનોમાં દેખાતા થઈ ગયા છે. મૂળ વાત પર આવીએ તો નજરે નહીં દેખાતા આ ચલણને ભારતીય રિઝર્વ બેંક મિલકત માનવા અને સેબી તેને ચીજવસ્તુ તરીકે સ્વીકારવા તૈયાર નથી.

ભારતમાં ક્રિપ્ટો કરન્સીને કોઈ કાયદેસર માન્યતા પ્રાપ્ત નથી, તો સાથે જ કાયદાકીય વ્યાખ્યા અંતર્ગત તે ગેરકાયદે પણ ગણાતી નથી. 10 કરોડ નાગરિકોની હજારો કરોડની મૂડી જ્યાં દાવ પર છે તે ક્ષેત્ર પર કોઈ પણ પ્રકારના સરકારી નિયંત્રણનું ન હોવું ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અને એટલે જ વર્તમાન સરકારે આદરેલા પ્રયાસોનું અમલીકરણ અનિવાર્ય જણાય છે. બિટકોઈન ઉપરાંત ઈથેરિયમ, કારડાનો, ટેધર, રિપલ, પોલ્કાડોટ, ડોજકોઈન, યુએસડી કોઈન અને શિબા ઈનુ જેવા આભાસી ચલણો અસ્તિત્વમાં છે, જેના માર્કેટ કેપનો સરવાળો 148.8 ટ્રિલિયન ડોલર થતો હોવાનું અનુમાન છે.

આંકડાકીય માહિતીના વજનદાર તથ્યોને હળવી રીતે સમજવા માટે રસપ્રદ વાર્તા પ્રસ્તુત જણાય છે. દરિયાઈ સફરમાં ભૂલો પડેલો વ્યાપારી એક ટાપુ પર જઈ ચઢયો. નવા ટાપુ પર વેપાર શું કરવો તેની ગડમથલમાં બેઠો હતો ત્યાં તેણે જોયું કે ટાપુ પર વાંદરાની વસતી ઠીકઠીક છે. ટાપુ પર રહેતા લોકોમાંથી એકને પસંદ કરી તેણે કારોબાર શરૂ કર્યો. 100 રૂપિયાની કિંમતે એક વાંદરો ખરીદવાની શરૂઆત કર્યા બાદ તેમાં તબક્કાવાર વધારો કરી મહિનાના અંતે પ્રત્યેક વાંદરાની કિંમત તે રૂપિયા 500 ચૂકવવા માંડયો. હવે ટાપુ પરના બધા વાંદરાને ખરીદી લીધા હતા. એક દિવસ ગામના આગેવાનોને બોલાવી તેણે જાહેરાત કરી કે તે થોડા દિવસ માટે પોતાના વતન જાય છે અને પાછા આવીને તે 1000 રૂપિયાની કિંમતે વાંદરા ખરીદશે. વેપારી રવાના થયાના ત્રણ દિવસ પછી ગામના જે માણસને વેપારીએ નોકરીએ રાખ્યો હતો તે સૂચના મુજબ કામે લાગ્યો. બે-ચાર જણને બોલાવી તેણે કહ્યું કે, 700 રૂપિયાની કિંમતે વાંદરા લઈ જાવ. હું તમને આપી દઉં. શેઠ આવે ત્યારે તમે તેને 1000માં પાછા આપી દેજો. યોજના સફળ રહી. વેપારીએ પરત આવી 1000ની કિંમતે બધા વાંદરા પાછા ખરીદી લીધા. થોડા દિવસ પછી 2000માં વાંદરા લેવાનું વચન આપી વેપારી પાછો ગયો. નોકરે 1500માં વાંદરા વેંચ્યા. વેપારીએ આવીને 2000ના ભાવે વાંદરા લઈ લીધા. ત્રીજી વખત 5000માં વાંદરા લેવાનું વચન આપી વેપારી ગયો. નોકરે 3500માં વાંદરા વેંચ્યા અને એક રાત્રે નોકર પણ ભેગું કરેલું બધું લઈ પરિવાર સાથે રવાના થઈ ગયો. ટાપુ પરના લોકો વાંદરા લઈને હજી વેપારીની રાહ જુએ છે. બિટકોઈનના વેપારમાં આવું થવાની સંભાવના વિશે વિચારવું કોઈ અતિશ્યોક્તિ નથી. સંબંધ, સેવા અને સંવેદનાના ક્ષેત્રમાં તકલાદીપણું અને બનાવટ કોઈ નવી વાત રહી નથી. ચલણ બનાવટી અને આભાસી હોય તે ચોક્કસ જ હજી નવું છે.

અને છેલ્લે…             

એક કહેવત ખૂબ જૂની અને જાણીતી છે કે, લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતા નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો