Death of Hasmukh Shah, a witness to historical events
  • Home
  • Gandhinagar
  • ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી બનેલા હસમુખ શાહનું અવસાન

ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી બનેલા હસમુખ શાહનું અવસાન

 | 1:50 pm IST
  • Share

  • વડાપ્રધાન કાર્યાલયમાં ઇન્દિરા ગાંધી સાથે કાર્ય કર્યું

  • દેશના ત્રણ PM સાથે સંયુક્ત સચિવ તરીકે કામ કર્યું

  • આઈપીસીએલ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા

     

1977 થી વડાપ્રધાન કાર્યાલયમાં સતત ત્રણ ટર્મ દરમિયાન સંયુક્ત સચિવ તરીકે સરકારી ક્ષેત્રમાં તેમની શાનદાર કારકિર્દી માટે જાણીતા હસમુખ શાહે શુક્રવારે ગુજરાતના કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 89 વર્ષના હતા. હસમુખ શાહ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. 

સંયુક્ત સચિવ તરીકે ત્રણ વડાપ્રધાન સાથે કાર્ય

ઉલ્લેખનિય છે કે તેમણે 1957માં ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના લેક્ચરર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. અને 1963 સુધી મહાત્મા ગાંધીના કાર્યો પર સંશોધન કર્યું હતું. એક અહેવાલ પ્રમાણે શાહને 1977માં જ્યારે મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે વડાપ્રધાન કાર્યાલયમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓએ સંયુક્ત સચિવ તરીકે વડાપ્રધાન કાર્યાલયમાં સતત ત્રણ વડાપ્રધાન મોરારજી દેસાઈ, ચૌધરી ચરણ સિંહ અને છેલ્લે ઈન્દિરા ગાંધી સાથે કામ કર્યું હતું.

આઈપીસીએલ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા

આઈપીસીએલ(ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ)નું ખાનગીકરણ થયું તે પહેલા તેઓ તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પણ હતા. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે એન્જિનિયરિંગ પ્લાસ્ટિકના વિકાસ માટે GE અને IPCL વચ્ચે સંયુક્ત સાહસ બનાવવા માટે જેક વેલ્ચને સમજાવ્યા હતા. સમગ્ર પેકેજિંગ ફિલ્મ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ તથા કૃષિ વ્યવસાયમાં (ટપક સિંચાઈ અને કેનાલ લાઇનિંગ દ્વારા) પ્લાસ્ટિકના ઉપયોગનો પ્રચાર કરવાનું કામ કર્યું હતું. શાહના કાર્યકાળ દરમિયાન યુ.કે.ની કેમિકલ ઈનસાઈટે આઈપીસીએલને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પેટ્રોકેમિકલ ઉત્પાદક કંપની તરીકે બિરદાવ્યું હતું.

એમ.એસ. યુનિવર્સિટીમાં કાર્યરત હતા

તેઓ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલા હતા તથા અધ્યક્ષ તરીકે ઘણી વ્યૂહાત્મક દિશાઓનું સંચાલન કર્યું હતું. જેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (DAIICT), એમ.એસ. યુનિવર્સિટી, સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી, સેન્ટર ફોર ફ્યુઅલ રિસર્ચ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી (GIRDA) અને લોકભારતીનો
સમાવેશ થાય છે.

ઐતિહાસિક ઘટનાઓના અંગત રીતે સાક્ષી હતા

1978માં જોરહાટમાં વડાપ્રધાનના વિમાન સાથે થયેલી વિમાન દુર્ઘટનામાં સાથે હોવાથી લઈને, સિડની કોમનવેલ્થ વડાઓની બેઠક (CHOGM) માં થયેલા બોમ્બ ધડાકાથી લઈને ધ તિયાનેનમેન સ્ક્વેર વિદ્રોહ જેવી અન્ય ઘણી ઐતિહાસિક ઘટનાઓના અંગત રીતે સાક્ષી હતા. તેમણે ગુજરાતીમાં તેમના સંસ્મરણો ‘દીઠુ મેં’ માં આવી ઘણી વાતોનો ચિતાર પ્રસ્તુત કરેલો છે. જેની અંગ્રેજી આવૃત્તિ “ફ્રોમ ધ માર્જિન્સ ઓફ હિસ્ટ્રી” ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. હસમુખ શાહના પરિવારમાં તેમની પાછળ પત્ની નીલા, પુત્ર અમલાન અને પુત્રી અલ્પના છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો