ચાલતી ટ્રેનમાં ધાડ, RBIના પાંચ કરોડ લૂંટાયા - Sandesh
  • Home
  • India
  • ચાલતી ટ્રેનમાં ધાડ, RBIના પાંચ કરોડ લૂંટાયા

ચાલતી ટ્રેનમાં ધાડ, RBIના પાંચ કરોડ લૂંટાયા

 | 5:07 am IST

ચેન્નઈ, તા. ૯

ભારતમાં પહેલી વખત ચાલતી ટ્રેને ધાડ પાડી કરોડોની રકમ લૂંટી લેવાની ઘટના સામે આવી છે. સોમવારે મોડી રાત્રે સાલેમથી ઉપડેલી અને ચેન્નઈ જઈ રહેલી ટ્રેનમાં ભારતીય રિઝર્વ બેંકના ૩૪૨ કરોડ રૂપિયા હતા જેમાંથી ૫.૭૮ કરોડ રૂપિયા પર હાથ સાફ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રેનના બે કોચ આ માટે બુક કરાયા હતા. બે કોચમાં ૨૨૮ બોક્સમાં ૩૪૨ કરોડ રૂપિયા ભરવામાં આવ્યા હતા. ૨૩ ટન વજન કુલ રૂપિયાનું વજન થતું હતું. બંને કોચના દરવાજા લોક કરીને તેને સીલ કરવામાં આવ્યા હતાં છતાં લૂંટારા હાથ સાફ કરી જતાં લોકો અને તંત્ર આઘાતમાં સરી પડયા છે.રેલવે પોલીસના જણાવ્યા પ્રમાણે ચોરોએ કોચમાં ઉપર ચડીને તેમાં બાકોરું પાડયું હતું અને તેમાંથી ૫.૭૮ કરોડ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. હોલિવૂડની કોઈ ફિલ્મનું દૃશ્ય હોય તેમ ચેન્નઈ પહોંચેલી ટ્રેનની સ્થિતિ હતી. લૂંટારા કોચના ઉપરના ભાગે કાણું પાડી તેમાંથી રકમ લઈ ગયા હતા. સૂત્રોના મતે અંદાજે પોણા છ કરોડની જ લૂંટ ચલાવવામાં આવી છે. જોકે પોલીસ દ્વારા આ મુદ્દે કોઈ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.

સૂત્રોના મતે એક સ્ટેશને સીસીટીવીની તપાસ કરાઈ તો કેટલાક લોકો આ કોચના દરવાજા સાથે છેડછાડ કરતા જોવા મળ્યા હતા.  એવી પણ ચર્ચા છે કે આ લોકો તે જ સ્ટેશનેથી કોચ પર ચડી ગયા હશે. ત્યારબાદ તેમણે સ્ટીલ કટર અને વેલ્ડિંગ મશીનની મદદથી કોચની ઉપરના ભાગે કાણું પાડયું હતું. આ કામમાં ઘણા લોકો જોડાયેલા હોવાની શંકા છે. તે લોકો લૂંટ ચલાવીને વિરૂદ્ધચલમ ખાતે ઊતરી ગયા હશે. આ સ્ટેશને થોડો સમય ટ્રેન ઊભી રહેતી હોવાથી આ શક્યતાઓ વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન