Direful Situations in Surat Crematorium Because of Corona Pandemic
  • Home
  • Corona
  • કોરોનાનાં કહેરનું સુરતના સ્મશાન અને કબ્રસ્તાનમાં બિહામણું ચિત્ર, એક ગાડીમાં 8 મૃતદેહો લઈ જવાની નોબત

કોરોનાનાં કહેરનું સુરતના સ્મશાન અને કબ્રસ્તાનમાં બિહામણું ચિત્ર, એક ગાડીમાં 8 મૃતદેહો લઈ જવાની નોબત

 | 6:53 pm IST

હાલ અમદાવાદ બાદ સુરતમાં કોરોના વિસ્ફોટ થયો છે. સુરતમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રોજ નવા કેસો તો સામે આવી જ રહ્યા છે, પણ સાથે જ મોતનાં આંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે સુરતમાં સ્મશાનગૃહો અને કબ્રસ્તાનમાં બિહામણું ચિત્ર જોવા મળે છે. કોરોના દર્દીઓનાં અંતિમ સંસ્કાર કરતી એકતા ટ્રસ્ટનાં અબ્દુલભાઈ મલબારીએ બિહામણા ચિત્રનો ચિતાર લોકોને આપ્યો છે. અને કોરોનાની મહામારીથી સજાગ રહેવા માટે પણ અપીલ કરી છે.

વિશ્વભરને લાચાર કરી નાંખનારો કોરોના સુરત શહેર-જિલ્લામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે, દિન પ્રતિદિન કોરોનાની ભયાનકતાના ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યાં છે. લોકડાઉનથી અત્યાર સુધી સતત અંતિમવિધિ કરવામાં આવી રહી છે, અને આ આંકડો 900ને પાર પહોંચી ગયો છે. જેને કારણે સુરત શહેરના સ્મશાનગૃહો અને કબ્રસ્તાનમાં બિહામણું ચિત્ર જોવા મળી રહ્યું છે.

સુરતમાં એકતા ટ્રસ્ટ દ્વારા દરરોજ 60થી વધુ મૃતકોનાં અંતિમ સંસ્કાર થઈ રહ્યાં છે. એકતા ટ્રસ્ટ દ્વારા કોવિડની ગાઈડલાઈન મુજબ આજ દિન સુધીમાં 900થી વધુ મૃતકોની અંતિમવિધિ કરવામાં આવી છે. એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારીએ કોરોનાની ભયાનકતાનો ચિતાર આપતાં કહ્યું કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી દરરોજ 60થી વધુ મૃતકોના અંતિમ સંસ્કાર કરાઈ રહ્યાં છે, જેમાં 10થી 12 મૃતદેહ મુસ્લિમોનાં હોય છે અને તેઓની દફનવિધિ કરાય છે.

આગળ જતાં અબ્દુલભાઈ જણાવે છે કે, કોર્પોરેશનની એક મળી અમારી પાસે નવ ગાડી છે. એક સમય હતો, જ્યારે એક ગાડીમાં એક જ મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લઈ જવાતો હતો, પરંતુ હાલ પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે. અમારા 60 માણસોમાંથી 30 જણાની તબિયત નાદુરસ્ત છે. બીજી બાજુ મૃતકોનો આંકડો સતત વધી રહ્યો છે. મૃતકના સગાંસંબંધી દ્વારા અંતિમવિધિ વહેલી થાય તે માટે સતત પ્રેશર થાય છે. જેને પગલે મોટી ગાડીમાં એક સાથે આઠ-આઠ અને નાની ગાડીમાં એક સાથે બે-બે મૃતદેહ લઈ જવા પડે તેવી નોબત આવી છે.

આ ઉપરાંત અબ્દુલભાઈએ કહ્યું કે, સ્મશાનગૃહોમાં અંતિમ સંસ્કાર કરવા માટે મૃતદેહને નંબર આપવા પડે છે. ત્યારબાદ ક્રમ પ્રમાણે એક પછી એક અંતિમક્રિયા કરાય છે. હાલ શહેરના ઉમરા, કુરુક્ષેત્ર, અગ્વિનીકુમાર સ્મશાનભૂમિ અને કેટલાક કબ્રસ્તાનમાં કોવિડની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરાઈ રહી છે. ઉમરામાં ૩, કુરુક્ષેત્રમાં ૩ અને અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિમાં 10 ગેસનાં ચુલા છે. એક ચુલા પર એક મૃતકનો અંતિમ સંસ્કાર થતાં દોઢ કલાક લાગે છે. ત્યારબાદ ૧૫ મિનિટ સુધી સાફ સફાઈ કરાય છે. આમ દર દોઢ કલાકે 16 મૃતકોની અંતિમવિધિ થાય છે. બીજી બાજુ શહેરમાંથી બીજા પણ મૃતદેહો અંતિમવિધિ માટે આવે છે. દરમિયાન ચાર-પાંચ દિવસથી 60થી વધુ દર્દીનાં મોત થઈ રહ્યાં હોય વેઇટિંગ કરવાની નોબત આવી છે. ત્રણેય સ્મશાન ભૂમિમાં 15થી 15 લાકડાનાં ચુલા છે. જો આ ચુલા પણ ચાલુ કરી દેવાય તો વેઇટિંગ કરવું નહીં પડે તેમ છે, જેને પગલે એકતા ટ્રસ્ટ દ્વારા સ્મશાન ગૃહોમાં લાકડાના ચુલા પણ ચાલુ કરવા માંગ કરાઈ છે.

છેલ્લા ચાર- પાંચ દિવસથી સિવિલ સ્મીમેર અને ખાનગી હોસ્પિટલોમાંથી મૃતકોનો આંકડો પણ હવે વધી રહ્યો છે. સુરત શહેર અને ગ્રામ્યનાં ભેગાં મળી 8372 દર્દી અત્યાર સુધીમાં ચોપડે નોંધાયા છે. જે પૈકી 5018 સાજા થઈ જતાં રજા આપવામાં આવી છે. અને હાલમાં 3354 દર્દી હાલ સારવાર હેઠળ છે. ચોંકાવનારી વાત એ છે કે અંદાજિત 450 દર્દીની હાલત ગંભીર છે. જેમાં માત્ર નવી સિવિલ હોસ્પિટલમાં 21 દર્દી હાલ વેંટીલેટર પર છે અને 51 દર્દી બાઈપેપ, જ્યારે 366 દર્દીની ઓક્સિઝન સપોર્ટ પર સારવાર ચાલી રહી છે. સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 203 અને શંકાસ્પદ 66 દાખલ છે. જે પૈકી 184 દર્દીની હાલત ગંભીર છે, જેમાં 9 દર્દી વેંટીલેટર પર છે, 18 દર્દીની બાઈપેપ અને 157 દર્દીની ઓક્સિઝન સપોર્ટથી સારવાર ચાલી રહી છે. માત્ર સુરતની સરકારી હોસ્પિટલમાં ગંભીર દર્દીની સંખ્યા 622 ચાલી રહી છે. જેમાં પણ રોજે-રોજ વધારો આવી રહ્યો છે.

ખુદ અબ્દુલભાઈ મલબારી હવે લોકોને સમજવતા થાકી ગયા છે કે કોરોનાથી બચવા માટે લોકોએ જાગૃત થવુ જ પડશે, નહીંતર મોત સાથે મુલાકાત કરવા માટે તૈયાર રહેવું પડશે. આ ઉપરાંત તેઓએ શહેરીજનોને સાવચેત કરતાં કહ્યું કે, ‘અબ ભી નહીં જાગે તો, મોત કી નીંદ સોને કો તૈયાર રહેના હોગા’. આ ઉપરાંત હિન્દુ-મુસ્લિમ સહિતનાં ધર્મગુરુઓને પણ પ્રાથના અને દુઆ કરવા માટે તેઓએ જણાવ્યું છે. સાથે જ યુવાનોને અપીલ કરતાં તેઓએ કહ્યું કે, યુવાનોને કોરોનાનું સંક્રમણ લાગે તો તેઓને કોઈ લક્ષણો દેખાતા નથી, પણ તેમના ચેપનો શિકાર તેમના માતા-પિતા કે વૃદ્ધો બને છે. જેથી સંદેશ ન્યુઝ દ્વારા તેઓએ યુવાઓને સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે.

આ વીડિયો પણ જુઓઃ સુરતમાં કોરોનાના વધુ 172 કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન