• ડેટા સાયન્સ અથવા ડેટા એનાલિટિક્સની કરિયરનો માર્ગ એટલો સરળ નથી

  • કઈ ઈન્ડસ્ટ્રીમાં જવા માંગો છો અને કઈ ભૂમિકા ભજવવા માંગો છો, તેના પર કમાણીનો આધાર
  • ડેટા સાયન્સની ફિલ્ડમાં આગામી અનેક દાયકાઓ સુધી ભરોસાપાત્ર અને આકર્ષક કરિયર

ડેટા સાયન્સમાં કરિયર ખૂબ જ લોભામણી અને સાર્થક ભલે લાગતી હોય પણ ડેટા સાયન્સ કે પછી એનાલિટિક્સની કરિયરનો માર્ગ એટલો સરળ નથી. અન્ય નોકરીઓથી વિપરીતપણે ડેટા સાયન્સ પ્રોફેશનલ બનવા માટે તમારે તેમાં ટેક્નીકલ બેચલર નોકરી કે માસ્ટર્સ ડિગ્રી મેળવવાની હોતી નથી. તમારામાં તે માટેની સ્કીલ હોય અને અનુભવ હોય તો એટલું પૂરતું છે.

એજ્યુસ્કોપમાં આજે ડેટા સાયન્સ અને એનાલિટિક્સની કરિયર અને સ્કીલ વિશે માહિતી આપીએ છીએ. તેમજ તમારા માટે આ કરિયર યોગ્ય છે કે નહીં તે નક્કી કરવા માટેની ટીપ્સ પણ આપીએ છીએ. આજકાલ બિઝનેસ જે રીતે ચાલે છે, એ જોતાં તમને લાગતું હશે કે ઘણું બધું બદલાઈ ગયું છે. જે બદલાયું છે તે ડેટાનો અભ્યાસ કરીને લેવાતો નિર્ણય છે. એટલું જ નહીં, ડેટાને ઘણા પરિમાણમાં જોઈને પછી આ નિર્ણયો લેવાય છે. એવા પાવરફૂલ એનાલિટિક્સ ટૂલ અને મોડેલ્સ પરથી ખૂબ સચોટ રીતે કહી શકાય છે કે, અમુક સંજોગોમાં ગ્રાહકો કેવું વર્તન કરશે એટલે કે કેવા પ્રકારની પ્રોડક્ટ ખરીદશે યા શું પસંદ કરશે. એ જ રીતે ડેટા સાયન્સની સમજ એ 21મી સદીની એવી જોબ સ્કીલ છે, જે અનેક રીતે લાભકારી નિવડી શકે.

ઊંચો પગાર મળે

જો તમે ડેટા સાયન્સના ફિલ્ડમાં એન્ટર થશો તો તમને એક લાંબાગાળાની આકર્ષક કરિયર મળશે. એક અમેરિકન સંસ્થાના અભ્યાસ મુજબ, વર્ષ 2022માં ડેટા સાયન્ટિસ્ટનો સરેરાશ પગાર 83,00,000 રૂપિયા રહ્યો હતો. જો કે તમારા માટે એનાથી વધારે સારી તકો પણ હોઈ શકે. તમે કઈ ભૂમિકામાં રહેવા માંગો છો અને કયા ઈન્ડસ્ટ્રીમાં જવા માંગો છો, તેના પર તેનો આધાર રહેલો છે. ઉપર કહ્યા એ પગારદારો પૈકી ટોચના 10  ટકાનો પગાર લગભગ દોઢ કરોડ રૂપિયા રહ્યો હતો.

જોબ સિક્યોરિટી મળશે

દુનિયાભરમાં જે રીતે અને જે ઝડપે ડેટા એકઠો થતો જાય છે, એ જોતાં તેનો અભ્યાસ કરીને તારણ કાઢી શકે એવા વ્યવસાયીઓની તાતી માંગ છે. તમને જેમાં રસ હોય તેમાં જઈને તમે સ્પર્ધાત્મક બની શકો.

જટીલ સમસ્યાઓ ઉકેલવાની તક મળે

જો તમને જટીલ ગૂંચવાડા કે વાસ્તવિક જીવનની સમસ્યાઓ ઉકેલવામાં ખરેખર રસ હોય તો, એક ડેટા સાયન્સ પ્રોફેશનલ તરીકે તમને ક્યારેય કંટાળો નહીં આવે. તેવા પ્રોફેશનલ તરીકે તમારે કાચી માહિતીના મોટા જથ્થા પર કામ કરીને સમસ્યાનું સમાધાન શોધવાનું છે. બિઝનેસ જગતમાં તમારે કેવી સમસ્યાઓ ઉકેલવાની હોય છે, તેના કેટલાંક ઉદાહરણો આ રહ્યાઃ

  • સેલ-વેચાણ કેવી રીતે વધારી શકાય.
  • એવું કયું લક્ષણ છે, જે તમારા ઓડિયન્સને જૂદા તારવે.
  • ડેટાના મોટા જથ્થાનો અભ્યાસ કરીને અવસર શોધવો.
  • હાલના બિઝનેસ ઓપરેશનમાં છૂપી સમસ્યાઓ શોધવી.
  • એવું માળખું તૈયાર કરવું જે ડેટાનો સ્વીકાર કરીને તેનું કેન્દ્રિકરણ કરે.
  • તમને માર્કેટિંગ, હેલ્થ, સ્પોર્ટ્સ, પોલિટિક્સ કે જેમાં રસ હોય તેનો ડેટા મેળવી શકાય.

એનાલિસ્ટમાંથી ડેટા સાયન્ટિસ્ટ બનો

તમે તમારી ડેટા સાયન્સની સ્કીલનો ઉપયોગ કરીને ડેટા-આધારીત કરિયર બનાવી શકો. તમે ડેટા સાયન્સ પ્રોફેશનલ બનીને ડેટા એનાલિસ્ટ, ડેટાબેઝ ડેવલપર કે ડેટા સાયન્ટિસ્ટ બની શકો. તમે એનાલિટિક્સની ભૂમિકા હોય એવા ડેટા-આધારીત મેનેજર બની શકો. આ કરિયરમાં ડેટા એનાલિટિક્સ, પ્રોગ્રામિંગ, ડેટા મેનેજમેન્ટ, ડેટા માઈનિંગ અને વિઝયુઅલાઈઝેશન જેવી કામગીરીની સ્કીલ જરૂરી છે.


  • Follow us on: