બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે. ઘણીવાર વિદ્યાર્થીએ સારી રીતે તૈયારી કરી હોવા છતાં તેના સારા માર્ક્સ નથી આવી શકતા. આવા સમયે વિદ્યાર્થીઓએ સમજી નથી શકતા કે કઈ કચાશ રહી ગઈ. એવી તો કઈ ભૂલો કરી કે જેથી માર્ક કપાઈ ગયા? જો કે, તેમણે પરીક્ષામાં લેખિત પેપર આપતી વખતે કેટલીક એવી ભૂલો કરી હોય છે, જેને કારણે તેમને પૂરા માર્ક મળતા નથી. આવી ભૂલો તમે જો કરતા હોવ તો, અહીં આપેલી ટીપ્સ વાંચીને તેને ભોલો કરજો, જેથી બોર્ડની પરીક્ષા આપતી વખતે એવી ભૂલો ન થાય.
પહેલીઃ વિદ્યાર્થીઓ સારી રીતે સૂચના નથી વાંચતા
પ્રશ્નપત્ર સોલ્વ કરવા પહેલાં એ જરૂરી છે કે, વિદ્યાર્થી આપેલી તમામ પરીક્ષાલક્ષી સૂચનાઓ સારી પેઠે વાંચી લે. એ જોઈ લે કે, કયા સેક્શનમાં કેટલા જવાબ લખવાના છે. કેટલાં વિકલ્પો છે અને કેટલા લાંબા જવાબ લખવાના છે. ઘણીવાર એવું થતું હોય છે કે, પ્રશ્નનો જવાબ લખવાનો હોય છે, વિગતવાર એટલે કે લાંબો અને વિદ્યાર્થી તેનો ટૂંકમાં જવાબ લખીને આવે છે. આમ કરવાને લીધે તેના માર્ક કપાઈ જાય છે.
બીજીઃ ચિંતામાં આવી જઈને ભૂલો કરવી
ઘણીવાર વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન ગભરાઈ જાય છે, જેને લીધે નાની-નાની ભૂલો કરી બેસે છે. તેને લીધે એ જરૂરી છે કે પરીક્ષા દરમિયાન તમે ગભરાઈ ન જાવ. ઊંડા શ્વાસ લો. શાંતીથી પૂરૂં પેપર સોલ્વ કરો.
ત્રીજીઃ જવાબ ફરીથી જોતાં નથી
શાળાનો ક્લાસ હોય કે, ટયુશન ક્લાસ, વિદ્યાર્થીને હંમેશા સૂચના આપવામાં આવે છે કે, એકવાર જવાબ લખ્યા પછી તેને તપાસી જવો. તેને બીજીવાર જરૂર વાંચી જવો. એમ કરવાથી પોતાની ભૂલોને પકડી શકાય છે, અને કોઈ જવાબ અધૂરો જણાય તો ફરીથી લખી શકાય છે. સાથે જ જો કોઈ જવાબમાં આકૃતિ એટલે કે ડાયાગ્રામ આપવાનો જરૂરી હોય અને તમે એ ન દોર્યો હોય તો થોડો સમય બચાવીને દોરી શકાય છે. તેથી પેપર પૂરૂં થયા પછી પણ છેલ્લે 10 મિનિટ બચાવીને રાખજો જેથી સમગ્ર ઉત્તરવહી એટલે કે આન્સરશીટને ફરીથી ક્રોસ ચેક કરી શકાય.
ચોથીઃ ટાઈમ મેનેજ નથી કરતા
અનેકવાર વિદ્યાર્થીઓ શરૂઆતથી જ બોર્ડની પરીક્ષામાં સમય મેનેજ નથી કરતા અને આખરે તેમના કોઈને કોઈ સવાલ છૂટી જાય છે. પરિણામ એ આવે છે કે, વિદ્યાર્થીને સમગ્રતયાઃ સારા માર્ક મળતા નથી. સાથે જ, ઘણીવાર તેઓ ગભરાટમાં તમામ સવાલોના જવાબ નથી લખતા અને તેને લીધે પરીક્ષામાં તેમને પૂરા માર્ક નથી મળતા.
આમ, એવી અનેક ભૂલો બોર્ડના વિદ્યાર્થીઓ કરે છે, જેને પગલે તેમના માર્ક કપાય છે. જો ઉપર જણાવેલી કેટલીક ભૂલો ટાળી શકાય તો વિદ્યાર્થીને પૂરા માર્ક મળી શકે છે.