દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ આજકાલ બોર્ડની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ દિવસ-રાત એક કરીને સારી તૈયારી કરે છે. જો કે, બોર્ડની પરીક્ષામાં સારી તૈયારી કરવાની સાથે-સાથે તમારા જવાબોને આન્સર-શીટમાં સારી રીતે પ્રેઝન્ટ કરવાનું પણ ખૂબ મહત્ત્વ છે.


એનો અર્થ એવો કે પરીક્ષામાં પૂછાયેલા સવાલોના બહેતર રીતે જવાબો લખવા. આ જવાબો એવી રીતે લખવા કે, તપાસનાર માર્ક કાપી શકે નહીં. આ માટે એ બાબતનું ખાસ મહત્ત્વ છે કે, વિદ્યાર્થીઓ જવાબો લખતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખે. કેમ કે, જો તમે સારી રીતે આન્સર પ્રેઝન્ટ નહીં કરી શકો તો, તમે ભલે ગમે તેવી મહેનત કરી હશે, માર્ક નહીં મળે અને મહેનત એળે જશે. આ કારણે આજે એજ્યુસ્કોપના વાચક વિદ્યાર્થીમિત્રો માટે કેટલીક એવી ટીપ્સ રજૂ કરીએ છીએ જેને ફોલો કરીને તમે પરીક્ષામાં સારા માર્ક મેળવી શકશો. તો આવો આવી કેટલીક ટીપ્સ પર નજર નાંખીએ.

સવાલ સારી રીતે વાંચી જાવ

ઘણીવાર વિદ્યાર્થીઓ એટલા ચિંતામાં પડી જાય છે કે, તેઓ ઠીક રીતે સવાલ વાંચતા પણ નથી અને જવાબ લખવામાં ભૂલ કરી બેસે છે. પૂછાયું હોય કંઈ અને જવાબ લખી આવે કોઈ અલગ. તેથી એ ખૂબ જરૂરી છે કે, તમારા હાથમાં પ્રશ્નપત્ર આવે કે તરત જ તેને સારી રીતે વાંચી જવું. ત્યારબાદ જ જવાબ લખવા શરૂ કરવા.

લખવાનું શરૂ કરો

જવાબ લખતી વખતે એ બાબતનું ધ્યાન રાખવું કે જેટલી મર્યાદામાં જવાબ માંગ્યા હોય એટલી મર્યાદામાં જ જવાબ લખવાનું પ્લાનિંગ કરવું. શબ્દ મર્યાદામાં જવાબના તમામ સેક્શન જેવા કે ઈન્ટ્રો, બોડી તેમજ કન્ક્લુઝન સમાવી શકાય. કેમ કે, અડધો-અધૂરો જવાબ લખવાથી પરીક્ષક પર વિદ્યાર્થીની ખરાબ છાપ પડે છે.

અક્ષર પર ધ્યાન આપો

ઘણીવાર વિદ્યાર્થીઓ જવાબ લખવાની શરૂઆત કરતી વખતે અને ક્યારેક આખરી સમયમાં ઉતાવળમાં જવાબ લખતી વખતે પોતાના અક્ષર પર ધ્યાન આપતા નથી. આવું જરાય કરશો નહીં, બલકે પહેલેથી જ સમય વિભાજીત કરીને કેટલા સમયમાં કયો જવાબ લખવાનો છે, એ બાબતને ધ્યાનમાં રાખજો. સાથે જ જવાબ ત્યારે જ સારી રીતે લખી શકાશે, જ્યારે તમારૂં શબ્દભંડોળ ખૂબ સારૂં હોય. તેથી વિદ્યાર્થીઓએ પોતાના શબ્દભંડોળ પર પણ ધ્યાન આપવું.

આંકડા અને ડાયાગ્રામ રજૂ કરો

પોતાના જવાબ લખતી વખતે વિદ્યાર્થીઓ માટે એ બાબતનું ખાસ મહત્ત્વ છે કે, તેઓ આંકડા અને હકીકતો પર ધ્યાન આપે. પોતાના જવાબમાં તારીખવાર સહિતના કંટેન્ટ રજૂ કરવા. કોઈ સવાલમાં ડાયાગ્રામ જરૂરી હોય તો તે પણ સ્વચ્છ અને સ્પષ્ટ રીતે રજૂ કરવો. તમે આ પ્રકારે રજૂઆત કરશો તો પરીક્ષક તમને પૂરા માર્ક આપશે અને માર્ક ક્યાંય કાપી શકશે નહીં.

  • Follow us on: