સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારના કોઈપણ વિષયને લગતી કસોટી થઈ જાય છે. સવાલ વિજ્ઞાનનો હોય કે પછી ઈતિહાસ કે ભૂગોળનો હોય, વિદ્યાર્થીએ ખૂબ સારી તૈયારી કરવાની રહે છે. એજ્યુસ્કોપના વાચકો માટે ચાલુ સપ્તાહનો સાંપ્રત પ્રવાહો પર આધારીત સામગ્રીનો સંપૂટ આ રહ્યો.
મશહૂર તબલાવાદક ઝાકીર હુસૈનનું નિધન
વિશ્વવિખ્યાત તબલા વાદક અને પદ્મ વિભુષણ ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 16મી ડિસેમ્બરની સવારે નિધન થયું. તેઓ ઈડિયોપૈથિક પલ્મોનરી ફાઈબ્રોસિસ નામની બીમારીથી પિડિત હતા અને છેલ્લા બે અઠવાડિયાથી સાન ફ્રાંસિસ્કોની હોસ્પિટલમાં દાખલ હતા. ઝાકીરના પિતાનું નામ ઉસ્તાદ અલ્લારખ્ખા કુરેશી અને માતાનું નામ બાવી બેગમ હતું. ઉસ્તાદ અલ્લારખ્ખા પણ મશહૂર તબલાવાદક હતા. ઝાકીર હુસૈનનું પ્રાથમિક શિક્ષણ મુંબઈના માહિમ ખાતેની સેંટ માઈકલ સ્કૂલમાં થયું હતું. તેમણે મુંબઈની જ સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમણે માત્ર 11 વર્ષની ઉંમરે જ અમેરિકામાં પહેલી મ્યુઝિક કોન્સર્ટ કરી હતી. 1973માં તેમણે પોતાનું પહેલું આલ્બમ લિવિંગ ઈન ધ મટિરીયલ વર્લ્ડ લોંચ કર્યું હતું. તેમને 2009માં પહેલો ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. 2024માં તેમને ત્રણ અલગ આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ મળ્યા હતા.
શ્રીલંકાને તારવાનો પ્લાન IMFને મંજૂર
2.9 બિલિયન ડોલર્સની મદદ સાથે શ્રીલંકાને તારવાના પ્લાન પર ત્રીજીવાર વિચારણા કરીને આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ એટલે કે, IMFએ તેનો સ્વીકાર કર્યો છે. IMF આ પૈકીના 3330 લાખ ડોલર્સ તત્કાળ આપશે. જો કે, તેમ છતાં શ્રીલંકન અર્થતંત્ર ખાસ સુધરી શકે એમ લાગતું નથી. છેલ્લા 70 વર્ષો પૈકી વર્ષ 2022માં શ્રીલંકાએ સૌથી વસમા આર્થિક સંકટનો સામનો કરવો પડયો હતો. કટોકટી દરમિયાન દેશનું અર્થતંત્ર 7.3 ટકા નીચું ચાલ્યું ગયું હતું, જ્યારે ત્યાર પછીના વર્ષે તેમાં 2.3 ટકાનો ઉછાળો જોવાયો હતો. IMFએ શ્રીલંકાની આર્થિક હાલતમાં થઈ રહેલા સુધારાની નોંધ લીધી હતી અને શ્રીલંકન રૂપિયાએ પણ હાલના મહિનાઓમાં 11.3 ટકા સુધીનો સુધારો નોંધાવ્યો છે. ફુગાવાનો દર શૂન્ય ટકે પહોંચ્યો છે અને ગત મહિને કિંમતોમાં પણ 0.8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
સ્ત્રીઓમાં અંડાશયના કેન્સર અંગે સંશોધન
ભારતીય વિજ્ઞાન સંસ્થાન એટલે કે, IISc દ્વારા કેન્સરકારક કોષો પર ઊંડાણપૂર્વક સંશોધન કરવામાં આવ્યું છે અને એ અભ્યાસને બાયોફિઝિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આસપાસના વાતાવરણની કેન્સરના કોષો પર કેવી અસર થાય છે, તેનો અભ્યાસ કરવામાં આવ્યો, જે કેન્સરને ફેલાતો અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે. મહિલાઓમાં અંડાશયની દિવાલના કોષોને અભ્યાસ હેઠળ રખાયા હતા. વૈજ્ઞાનિકોએ કેન્સર ધરાવતા અને તંદુરસ્ત એમ બંને પ્રકારના કોષોના સ્તરો સાથે રાખ્યા અને કેન્સરકારક કોષો અન્ય સ્તરમાં કેવી રીતે ફેલાય છે, તેનો અભ્યાસ કર્યો. કેન્સરકારક કોષો આસપાસના માધ્યમના આધારે અન્ય સ્તરોમાં ફેલાતા હોવાનું બહાર આવ્યું હતું.
મંકીપોક્સનો ભય હજી ઓછો નહીં : WHO
વિશ્વ આરોગ્ય સંસ્થા યાને WHO દ્વારા મંકી-પોક્સ એટલે કે M-Pox ને હજી જોખમી તરીકે ઓળખાવાયો છે. વિશ્વભરમાં આ રોગના વધી રહેલા વ્યાપને પગલે હજી તેને આંતરરાષ્ટ્રીયસ્તરે જાહેર આરોગ્યની કટોકટી સર્જી શકે એવા રોગની કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. સ્થિતીની સમીક્ષા કરવા માટે તાજેતરમાં WHOની બેઠક મળી હતી. આ રોગનો એક નવો વેરીઅન્ટ કે જે ક્લેડ આઈબી તરીકે ઓળખાય છે, એ કોંગોમાં જોવા મળ્યો છે. આ રોગ ભારત ઉપરાંત બ્રિટન, જર્મની, સ્વિડનમાં પગપેસારો કરી ચૂક્યો છે. તેના સંક્રમણને હવે વૈશ્વિક કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. ચાલુ વર્ષે માત્ર આફ્રિકામાં જ 46,000 સંદિગ્ધ કેસ જોવા મળ્યા છે. કોંગોમાં આ રોગથી સંદિગ્ધ રીતે 1000થી વધુ લોકોનાં મોત થયા છે.










