- આગામી સપ્ટેમ્બર, 2024 દરમિયાન 20મી તારીખથી આ પરીક્ષા હાથ ધરાશે
- જાહેર સેવક બનવા માંગતા ઉમેદવારોની મુસાફરીમાં મેઈન્સ એક પડકારજનક અને નિર્ણયાત્મક તબક્કો
- સમયનું અસરકારક આયોજન કરવા માટે પહેલાં ટાઈમટેબલ બનાવવું
જાહેર સેવા પરીક્ષામાં મેઈન્સ ખૂબ જ પડકારજનક અને નિર્ણાયક તબક્કો છે, તેના માટે ઉમેદવારે યોગ્ય વ્યૂહથી તૈયારી કરવી થોડા દિવસો પહેલાં યુપીએસસીની પ્રિલિમ્સ એક્ઝામ લેવાઈ ચૂકી છે
ત્યારે, હવે ઉમેદવારોએ આ પરીક્ષાની મેઈન્સની તૈયારી શરૂ કરી દીધી છે. એજ્યુસ્કોપના વાચકો માટે આજે મેઈન્સની પરીક્ષાની તૈયારીની કેટલીક માહિતી આપીએ છીએ, જે તેમને સારી રીતે તૈયારી કરવામાં મદદરૂપ બનશે.
આપણા દેશમાં કમિશન દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનનો બીજો રાઉન્ડ મેઈન્સનો હોય છે. આગામી સપ્ટેમ્બર, 2024 દરમિયાન 20મી તારીખથી આ પરીક્ષા હાથ ધરાશે, જેનું ચોક્કસ શેડયુલ એટલે કે કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે. પ્રિલિમ્સ જેમણે પાસ કરી હોય એવા ઉમેદવારો યુપીએસસી મેઈન્સ 2024માં બેસી શકશે. જાહેર સેવક બનવા માંગતા ઉમેદવારોની એ તરફની મુસાફરીમાં મેઈન્સ એક પડકારજનક અને નિર્ણયાત્મક તબક્કો છે. આ વખતે આપણે આ તબક્કાના મુખ્ય પાસાઓની ચર્ચા કરીશું અને તેને લગતી એવી ટીપ્સ આપીશું જેથી ઉમેદવારને સહજ પ્રયાસોથી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવામાં મદદ મળે.
સિલેબસને સમજી લેવો
પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોએ UPSCના મેઈન સિલેબસ બાબતે સારી પેઠે જાણી લેવું જરૂરી છે. આમ કરવાથી જે-તે વિષય અને તેના ટોપિક્સ કેટલા મહત્વના છે, કે તેની કેવી રીતે તૈયારી કરવી પડશે તેનો ખ્યાલ આવે છે.
સમયનું આયોજન
એકાગ્ર થઈને સાતત્યપૂર્ણ અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. મેઈન્સમાં સફળ થવા માટે આવી તૈયારી ચાવીરૂપ બનશે. પોતાના સબળા કે નબળા ટોપિક્સ યા વિષય અનુસાર ઉમેદવારે દરેક વિષયને પૂરતો સમય આપવો. સમયનું અસરકારક આયોજન કરવા માટે પહેલાં ટાઈમટેબલ સારી પેઠે બનાવી લેવું.
નિયમિત પુનરાવર્તન
ઉમેદવાર નિયમિતપણે પુનરાવર્તન કરે એ અનિવાર્ય છે. તેનાથી તેની જાણકારી સઘન થશે અને વધુ સામગ્રી યાદ રાખી શકાશે. મહત્વના મુદ્દાઓ યાદ રાખવા તેમજ વધારે સામગ્રીને સ્મૃતિમાં તાજી રાખવા માટે ઉમેદવારે તમામ વિષયોનું પુનરાવર્તન કરતા રહેવું જરૂરી છે. ગત વર્ષે મેઈન્સ માટે 14,624 ઉમેદવારો પસંદ થયા હતા. દર વર્ષે લાખો ઉમેદવારો ફોર્મ ભરે છે, જે પૈકી અમુક હજાર ઉમેદવારો જ મેઈન્સ માટે પસંદ થાય છે. મેઈન્સ માટે પસંદ કરાતા ઉમેદવારોની સંખ્યા સામાન્ય રીતે ખાલીજગ્યા અને ઉમેદવારોની સંખ્યાના પ્રમાણમાં હોય છે. ઉપલબ્ધ ખાલીજગ્યાને આધારે UPSC આ જગ્યાઓ નક્કી કરે છે.
UPSC મેઈન્સની તૈયારી કેવી રીતે કરશો?
મેઈન્સની પરીક્ષાને સારી રીતે સર કરવા માટે પોતે કયા પ્રકારનો વ્યૂહ અપનાવશે એ બાબત ઉમેદવારે પોતે નક્કી કરવાની હોય છે. તેની સફળતામાં આ ખૂબ જ નિર્ણયાત્મક બને છે. જો કે, અહીં આપેલી કેટલીક સામાન્ય બાબતો પર ધ્યાન આપવાથી ઉમેદવારો પરીક્ષાની સઘન તૈયારી કરી શકશે.
કરંટ અફેર્સ પર ભાર આપવો
UPSC ઘણીવાર સામાન્ય અભ્યાસ એટલે કે જનરલ સ્ટડીઝના પેપર્સમાં જીકેનો સમાવેશ કરી લે છે, જેને પગલે ઉમેદવારોએ રાજકારણ, અર્થતંત્ર, પર્યાવરણ અને આંતરાષ્ટ્રીય સંબંધો સહિતના વિષયોથી માહિતગાર રહેવું જરૂરી છે.
લખવાનો મહાવરો
મેઈન્સની UPSCની પરીક્ષા એ એક વર્ણનાત્મક પરીક્ષા હોવાને લીધે લેખન મહાવરો ખૂબ જ નિર્ણયાત્મક બને છે. ઉમેદવારે પોતાના લેખન કૌશલ્યની ધાર કાઢતાં રહેવું જરૂરી છે. તેણે લેખિત અભિવ્યક્તિમાં સ્પષ્ટતા તેમજ જવાબ લખવામાં સુયોજીત અને ક્રમવાર અભિગમ લાવવો જરૂરી છે.
મોક ટેસ્ટ અને અગાઉના વર્ષના પેપરો
અગાઉના વર્ષના પેપરો સોલ્વ કરવાથી અને મોક ટેસ્ટ આપ્યા કરવાથી ઉમેદવારોને UPSC પરીક્ષાની પેટર્નનો ખ્યાલ આવશે, કયા પ્રકારના સવાલો પૂછાય છે તે સમજાશે અને પ્રશ્નવાર સમયનું આયોજન કેવી રીતે કરવું તેની સમજ પડશે.