યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યાને UPSC દ્વારા સિવિલ સર્વિસિસ એક્ઝામના આખરી તબક્કામાં લેવાતા ઈન્ટર્વ્યુની તારીખો હાલમાં જ આપવામાં આવી છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ દરમિયાન ઈન્ટર્વ્યુની તારીખો જાહેર કરવામાં આવી છે.
આમ, હવે આ ઈન્ટર્વ્યુ આડે થોડાંક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે એ માટેની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે અહીં કેટલીક ટીપ્સ આપી છે, જેનાથી ઈન્ટર્વ્યુની તૈયારી કરવામાં સફળતા મળશે અને કેટલીક ભૂલો નિવારી પણ શકાશે. આજે આવા ઈન્ટર્વ્યુમાં સફળ થવાની પદ્ધતિ પર એક નજર કરીએ.
આત્મવિશ્વાસ રાખો
કોઈપણ પરીક્ષા કે ઈન્ટર્વ્યુમાં સફળ થવા માટે સૌથી વધારે જરૂરી બાબત એ છે કે તમે પોતાનામાં પૂરતો વિશ્વાસ રાખો. તમે પોતાની તૈયારી બાબતે પૂરો ભરોસો રાખો. ઘણીવાર એવું બને છે કે, ઉમેદવારની તૈયારીમાં તો કોઈ કમી નથી હોતી પણ તે પોતે નર્વસ હોવાને લીધે ખોટા જવાબો આપી દે છે. આમ, તમારે ગભરાટથી બચવાનું છે.
અકારણ જવાબને ખેંચવો નહીં
પેનલ દ્વારા જે સવાલો પૂછાય તેના પર પૂરતું ધ્યાન આપીને જવાબ આપો. હકીકત આધારીત ચોખ્ખા જવાબો આપવા. જવાબને બિનજરૂરી રીતે વિસ્તારવો નહીં. તેનાથી તમારામાં આત્મ-વિશ્વાસની કમી અને અનિશ્ચિતતા હોવાની છાપ ઊભી થશે. તેથી તમને ખબર હોય એટલી જ બાબતો જવાબમાં કહેવી.
IAS ઈન્ટરવ્યૂ વખતે આટલું યાદ રાખજો
જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન ઈન્ટર્વ્યુ યોજાય છે. ગ્ મુખ્ય પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને ઈન્ટર્વ્યુ માટે બોલાવાય છે.
આ વખતે હાલમાં જ એ માટેના ઈન્ટર્વ્યુનું શેડયુલ જાહેર કરવામાં આવ્યું છે.
નેગેટિવ કમેન્ટ ન કરવી
જો તમારી પાસે સરકાર, તંત્ર કે પછી ખાનગી સેક્ટર બાબતે કે પછી અન્ય ફિલ્ડ બાબતે ટીપ્પણી માંગવામાં આવે તો તમારે તેના પર નેગેટિવ કમેન્ટ કરવી નહીં, બલકે તે બાબતે તમારે કોઈ સમાધાન કે સૂચન કરવું. કોઈપણ સીધી ટીકા કરવાથી બચવું, કેમ કે, તેનાથી તમારા વ્યક્તિત્વની છાપ ઊભી થાય છે.
વિનમ્રપણે અસહમતી વ્યક્ત કરવી
જો તમે પેનલિસ્ટની કોઈ વાત સાથે સંમત ન હોવ તો એ બાબતને વિનમ્રપણે વ્યક્ત કરવી. આ ઉપરાંત લાંબા સમય સુધી વિવાદ કરવાથી બચવું. સાથે જ તમારે પેનલિસ્ટના સન્માનનો પણ ખ્યાલ કરવો.