• ધોરણ 12 પાસ અને સ્પોર્ટ્સમાં વિશેષ લાયકાત ધરાવતા ઉમેદવારોને ઈન્ડિયન નેવીમાં જોડાવાનો અવસર

  • ઉમેદવારો આ પદો માટે લાયક હોય તેઓ ઓફલાઈન માધ્યમથી અરજી કરી શકે છે
  • ટ્રાયલ દરમિયાન ઉમેદવારે પોતાના તમામ અસલ ડોક્યુમેન્ટ્સ સાથે લઈને જવાનું રહેશે

ભારતીય સેનામાં નોકરી મેળવવાનું સપનું દેશના લાખો યુવાનો જોતાં હોય છે. આવા યુવાનો માટે વધુ એક તક રાહ જૂએ છે. ભારતીય નૌસેના દ્વારા સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ સેલરના પદો પર ભરતી કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જે ઉમેદવારો આ પદો માટે લાયક હોય તેઓ ઓફલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. એપ્લિકેશન કરવાની આખર તારીખ 20મી જુલાઈ, 2024 તેમજ પૂર્વોત્તર, જમ્મુ-કાશ્મીર, આંદામાન-નિકાબાર, લક્ષ્યદ્વિપ અને મિનિકોય દ્વિપ સમૂહ માટે આવેદનની આખર તારીખ 25મી જુલાઈ, 2024 નક્કી કરવામાં આવી છે.

આ રીતે અરજી કરી શકાશે

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ભારતીય નૌસેનાની સત્તાવાર વેબસાઈટ https://joinindiannavy.gov.in પર જઈને ઓફલાઈન અરજીપત્રક ડાઉનલોડ કરવાનું છે. ત્યારબાદ તેને સંપૂર્ણ ભરીને તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ અટેચ કરીને ઈન્ડિયન નેવી સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, 7મા માળે, ચાણક્ય ભવન નેવલ હેડક્વાર્ટર, સંરક્ષણ મંત્રાલય, નવી દિલ્હી-110021 ના સરનામે મોકલી આપવાના રહેશે. ઉમેદવારે ધ્યાન રાખવું કે, એક જ ક્ષેત્રમાં એન્ટ્રી માટે એક જ આવેદનપત્ર મોકલવું. વધુ ફોર્મ ભરવાથી તમારૂં ફોર્મ રદ કરી દેવાશે.

શું છે યોગ્યતા

આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે કોઈપણ પ્રવાહમાંથી ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ અને સાથે જ સ્પોર્ટ્સ ક્વોટા માટે નિયત યોગ્યતા પણ મેળવી હોય. સાથે જ ઉમેદવારની લઘુતમ વય 17 વર્ષથી ઓછી તેમજ મહત્તમ વય 25 વર્ષથી વધુ હોવી ન જોઈએ. પુરુષ ઉમેદવારની લઘુતમ લંબાઈ 157 સેમી અને મહિલા ઉમેદવારની લઘુતમ લંબાઈ 152 સેમી નક્કી કરવામાં આવી છે.

પસંદગી કેવી રીતે કરાશે

આ ભરતીમાં પસંદ થવા માટે ઉમેદવારોને સ્પોર્ટ્સ ક્વોટાની યોગ્યતાના આધારે શોર્ટલિસ્ટ કરીને પસંદગીની ટ્રાયલ માટે બોલાવવામાં આવશે. ટ્રાયલ દરમિયાન ઉમેદવારે પોતાના તમામ અસલ ડોક્યુમેન્ટ્સ સાથે લઈને જવાનું રહેશે. ત્યારબાદ શારીરિક તપાસ-મેડિકલ તપાસ બાદ ઉમેદવારોને ખાલીપદો પર તૈનાત કરવામાં આવશે.

  • Follow us on: