ઈન્ડિયન નેવી યાને ભારતીય નૌસેના દ્વારા નૌસેના ડોકયાર્ડ, વિશાખાપટ્ટનમમાં ટ્રેડ એપ્રેન્ટિસશિપના 275 પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય નૌસેનામાં સામેલ થવા માંગતા ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે.


અરજી પ્રક્રિયા 28મી નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. ઈચ્છુક ઉમેદવારો પહેલી જાન્યુઆરી, 2025 સુધીમાં નિયત સરનામે અરજીની હાર્ડ કોપી મોકલીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. યાદ રહે કે, અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં.

ધોરણ 10 તેમજ ITI પાસ અરજી કરી શકશે

ભારતીય નૌસેના એપ્રેન્ટિસશિપ ભરતી-2024માં અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ-સંસ્થાનમાંથી SSC-મેટ્રિક-ધોરણ 10 લઘુતમ 50 ટકા ગુણ સાથે પાસ કર્યું હોવું જરૂરી છે. સાથે જ ઉમેદવારે NCVT/SCVTમાંથી માન્યતા પ્રાપ્ત ITIમાંથી લઘુતમ 65 ટકા ગુણ સાથે પાસ કર્યું હોવું જોઈએ. સાથે જ ઉમેદવારનો જન્મ 2 મે, 2011 પછી થયો હોવો જોઈએ નહીં. મહત્તમ વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવશે. યોગ્યતા અંગેની વિસ્તૃત જાણકારી મેળવવા ઉમેદવારે સત્તાવાર પોર્ટલ પર જઈને નોટિફિકેશન જોઈ જવું. આ ભરતીમાં સામેલ થવા માટે ઉમેદવારે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી. એટલે કે, તમામ ઉમેદવારો આ ભરતી માટે વિનામૂલ્યે અરજી કરી શકે છે.

ઓનલાઈન અરજી કરવાની રહેશે

હાર્ડ કોપી મોકલવા માટે ઉમેદવારે પોતે ઓનલાઈન એપ્રેન્ટિસશિપ પોર્ટલ appren¬ticeshipindia.gov.in પર જઈને પોતે રજીસ્ટર કરાવવું પડશે. ઓનલાઈન રજીસ્ટર કર્યા બાદ ઉમેદવારે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ નિયત સરનામે મોકલી આપવાના રહેશે.

28મી ફેબ્રુઆરીએ પરીક્ષા થશે

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ પસંદ થવા માટે સૌપ્રથમ પરીક્ષામાં બેસવું પડશે. લેખિત પરીક્ષાનું આયોજન 28મી ફેબ્રુઆરી, 2025ના રોજ નિર્ધારીત પરીક્ષાકેન્દ્ર પર કરવામાં આવશે. પરીક્ષાના થોડા દિવસો પૂર્વે જ ઉમેદવારો માટે પ્રવેશપત્ર મોકલી અપાશે. લેખિત પરીક્ષાનું પરિણામ 4થી માર્ચ, 2025ના રોજ જાહેર કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં સફળ ઉમેદવારોને ઈન્ટરવ્યૂ, ડોક્યુમેન્ટ વેરીફિકેશન, મૌખિક પરીક્ષા અને તબીબી પરીક્ષણ માટે બોલાવવામાં આવશે.

UPSC દ્વારા પણ ભરતી માટે જાહેરનામું અપાયું

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSC દ્વારા NDA, NA-1 એક્ઝામિનેશન-2025 માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. UPSC દ્વારા જાહેરનામું બહાર પાડી દેવાની સાથે સાથે 11મી ડિસેમ્બર, 2024થી આ ભરતી માટે અરજીની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. યોગ્ય અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઈટ upsconline.nic.in પર જઈને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ફોર્મ ભરવાની આખર તારીખ 31મી ડિસેમ્બર, 2024 નિયત કરવામાં આવી છે. નેવલ ડિફેન્સ એકેડમી યાને NDAના પદો પર અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ કે સંસ્થામાંથી ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવારનો જન્મ 2 જુલાઈ, 2006 પહેલાં તેમજ 1 જુલાઈ, 2009 પછી થયો હોવો જોઈએ નહીં.

  • Follow us on: