- ધોરણ 10મું પાસથી માંડીને ઈજનેરી યા અન્ય સ્નાતકોને દેશસેવા સાથે કરિયર બનાવવાનો અવસર
- યોગ્ય અને લાયકાત ધરાવનારા ઉમેદવારો નૌસેનાના સત્તાવાર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે
- ભારતીય નૌસેના દ્વારા કરાતી આ ભરતીમાં કુલ 741 ખાલીપદો પર નિયુક્તિ કરવામાં આવશે
ભારતીય નૌસેનામાં એક ઉત્તમ કારકિર્દીની સાથે સાથે દેશસેવાનો અવસર દેશના યુવાનોને મળે છે. ભારતીય નૌસેના દ્વારા ઈન્ડિયન નેવલ સિવિલિયન એન્ટરન્સ ટેસ્ટ INCET અંતર્ગત ફાયરમેન, એમટીએસ, કૂક સહિત 741 પદો પર ભરતી માટે જાહેરનામું બહાર પાડીને શરૂ કરવામાં આવી છે.
આ જાહેરનામા અનુસાર, આવેદન પ્રક્રિયા 20મી જુલાઈથી શરૂ કરવામાં આવી છે અને તે માટેની નિર્ધારીત આખર તારીખ 2 ઓગષ્ટ, 2024 રાખવામાં આવી છે. યોગ્ય અને લાયકાત ધરાવનાર ઉમેદવારો આ તારીખો દરમિયાન ઓનલાઈન માધ્યમથી ભારતીય નૌસેનાની સત્તાવાર joinindiannavy.gov.in પર જઈને અરજી કરી શકશે.
ભરતીની વિગત
ભારતીય નૌસેના દ્વારા કરાતી આ ભરતીમાં કુલ 741 ખાલીપદો પર નિયુક્તિ કરવામાં આવશે. આ પદોની વિગતો મુજબ, ચાર્જમેનમાં 29, વૈજ્ઞાનિક સહાયકમાં 4, ડ્રાફ્ટ્સમેન 2, ફાયરમેન 444, ફાયર એન્જિન ડ્રાઈવર 58, ટ્રેડ્સમેન મેટ 161, પેસ્ટ કંટ્રોલ વર્કર 18, કૂક 9, મલ્ટિ ટાસ્કીંગ સ્ટાફ 16 પદ પર ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં ફોર્મ ભરવાની સાથે સામાન્ય, ઓબીસી અને ઈડબલ્યુએસ વર્ગના ઉમેદવારોએ 295 રૂપિયા ફી ભરવાની રહેશે. ફી ઓનલાઈન માધ્યમથી ભરી શકાશે. એસસી-એસટી અને મહિલા ઉમેદવારોને ફીમાં મુક્તિ અપાઈ છે. આ ભરતીને લગતી વધુ માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન જોવું.
શુ જોઈએ લાયકાત ?
ભારતીય નૌસેનાની આ ભરતીમાં સામેલ થવા માટે ઉમેદવારે ધોરણ 10ની સાથે સાથે સંબંધિત ક્ષેત્રમાં આઈટીઆઈ-ડિપ્લોમા-ઈજનેરી ડિપ્લોમા-ગ્રેજ્યુએશન વગેરે કર્યું હોવું જોઈએ. ઉમેદવારની લઘુતમ વય 18 વર્ષથી ઓછી અને પદાનુસાર મહત્તમ વય 25-27-30 વર્ષથી વધારે હોવી ન જોઈએ. અનામત વયના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવશે.