સંવિધાન લાગુ કરાયું એ દિવસથી સંવિધાન દિવસ કેવી રીતે અલગ છે, એ જાણવું UPSCની પરીક્ષા આપી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વનું છે. એજ્યુસ્કોપમાં આ પરીક્ષાને લગતા વિવિધ સાંપ્રત પ્રવાહના વિષયો ઉપરાંત હેતુલક્ષી પ્રશ્નો વિશે પણ ઉમેદવારોને માહિતગાર કરીએ છીએ.
આજે પણ બંધારણના આ ખૂબ મહત્ત્વના ટોપિક પર માર્ગદર્શન આપીએ છીએ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઘણું ઉપયોગી થશે. આપણે સૌ જાણીએ છીએ કે, ભારત દુનિયાનો સૌથી મોટું લોકતંત્ર ધરાવતો દેશ છે. આપણા લોકતંત્રને ધબકતું રાખવામાં સંવિધાનનો ફાળો ખૂબ મોટો છે. દર વર્ષે આપણા દેશમાં 26મી નવેમ્બરના દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સંવિધાન દિવસ શા માટે?
આપણે સૌ જાણીએ છીએ કે, ભારતીય સંવિધાન 26મી જાન્યુઆરી, 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું, અને એ નિમિત્તે દર વર્ષે ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવે છે. પરંતુ ઘણા ઉમેદવારોને એ ખબર નથી હોતી કે, 26મી નવેમ્બર, 1949ના રોજ સંવિધાન બનાવનારી સભા એટલે કે, Constitution Assembly એ પહેલા ચર્ચાઓ અને અનેક સંશોધન બાદ આ સંવિધાનનો સ્વીકાર કર્યો હતો. તેને પગલે જ દર વર્ષે 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે મનાવાય છે, જ્યારે આપણા બંધારણના ઘડવૈયા ડો ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાજલિ આપવા માટે સંવિધાન દિવસ ઉજવવાનો નિર્ણય લેવાયો હતો.
2015થી થઈ શરૂઆતઃ
પહેલા સંવિધાન લાગુ થયાને પગલે 26મી જાન્યુઆરીને જ પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવવામાં આવતો હતો, પરંતુ ભારતીય સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા 19મી નવેમ્બર, 2015ના દિવસે નિર્ણય કર્યો હતો કે, દર વર્ષે 26મી નવેમ્બરને ઉજવવામાં આવે. આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ દેશમાં લોકોને સંવિધાનના મૂલ્યો બાબતે જાગૃત કરવાનો છે. આપણા બંધારણને જાતિ, ધર્મ, ઊંચ, નીચને ધ્યાનમાં લીધા વિના ઘડવામાં આવ્યું છે. દેશના તમામ નાગરીક ચાહે અમિર હોય કે ગરીબ એ તમામને બરાબરના હક આપવામાં આવ્યા છે.
આ પૈકીના કેટલાંક મૌલિક હક આ મુજબના છેઃ
સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણનો પ્રતિકાર કરવાનો અધિકાર, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર,બંધારણીય જોગવાઈનો અધિકાર.