• નાયબ કલેક્ટરને SDM કે પછી SDO તરીકે અપાય છે પોસ્ટિંગ

  • રાજ્યો દ્વારા લેવાતી પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરવી પડે
  • નાયબ કલેક્ટરનું કામ જિલ્લાસ્તરે જિલ્લા કલેક્ટરની મદદ કરવાનું

આપણા દેશમાં સરકારી નોકરી ધરાવનારને એક અલગ માનની નજરે જોવામાં આવે છે, અને એમાંય જો વ્યક્તિનો હોદ્દો સરકારી અમલદારનો હોય તો તેની એક અલગ જ ઓળખ બને છે. આજે ઘણા ઉમેદવારોની ઈચ્છા અમલદાર બનવાની હોય છે જેથી એ સમાજમાં નામની સાથે સાથે સારા નાણાં પણ કમાઈ શકે. આવા પદો પૈકી એક ડેપ્યુટી કલેક્ટરનું પદ છે. જો તમે કોઈપણ રાજ્યમાં નાયબ કલેક્ટર બનવા માંગતા હોવ તો આજે અહીં એજ્યુસ્કોપમાં એ માટેની ઉપયોગી માહિતી આપીએ છીએ. આ માહિતી મેળવીને તમે એ દિશામાં ડગ માંડી શકશો.

નાયબ કલેક્ટર કોણ હોય છે

ડેપ્યુટી કે નાયબ કલેક્ટર એક એવા અમલદાર હોય છે, જેનું પોસ્ટીંગ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ યાને SDM કે પછી સબ ડિવિઝનલ ઓફિસર યાને SDO તરીકે કરવામાં આવે છે. તેમનું કામ જિલ્લાસ્તરે જિલ્લા કલેક્ટરની મદદ કરવાનું હોય છે. આ જિલ્લા કલેક્ટરની હેઠળ ભિન્ન પ્રશાસનિક કાર્યોના વ્યવસ્થાપનમાં મદદ કરવાનું તેમનું કામ હોય છે. આ ઉપરાંત ડેપ્યુટી કલેક્ટર પાસે મહેસૂલ સંબંધિત સત્તા પણ હોય છે.

કેવી રીતે બની શકાય ડેપ્યુટી કલેક્ટર

જે-તે રાજ્યમાં નાયબ કલેક્ટર બનવા માટે તમારે તે રાજ્ય દ્વારા લેવાતી પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરવાની રહે છે. દાખલા તરીકે ગુજરાત માટે એ પરીક્ષા GPSC ની હોય છે. આ માટે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા લેવાય છે. તે માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે. ત્યારબાદ ઉમેદવારોને ત્રણ તબક્કામાંથી પસાર થવાનું રહે છે, જેમાં આરંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઈન્ટર્વ્યુ એટલે કે પ્રિલિમ્સ, મેઈન્સ અને ઈન્ટર્વ્યુનો સમાવેશ થાય છે. પહેલા ઉમેદવારોએ પ્રિલિમ્સ એક્ઝામ માટે જરૂરી કટ ઓફ માર્ક મેળવવાના હોય છે. જે ઉમેદવારો તેમાં ક્વોલિફાય કરે તેમને ત્યારબાદ મેઈન્સની એક્ઝામમાં તક મળે છે અને તેમાં સફળ ઉમેદવારોને ઈન્ટર્વ્યુ માટે બોલાવાય છે. આખરે ઈન્ટર્વ્યુમાં પાસ થનારા ઉમેદવારોનું મેરીટ લિસ્ટ તૈયાર થાય છે અને તેમને ડેપ્યુટી કલેક્ટર તરીકે પોસ્ટીંગ અપાય છે.

પરીક્ષામાં બેસવા માટેની યોગ્યતા

ડેપ્યુટી કલેક્ટર બનવા માટે ઉમેદવારોએ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થવું જરૂરી છે. સાથે જ ઉમેદવારની ઓછામાં ઓછી વય 21 વર્ષ હોવી જોઈએ, તથા મહત્તમ ઉંમર 40 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. અનામત શ્રોણીના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે.

નાયબ કલેક્ટર બનવા માટે આટલું યાદ રાખો

- ડેપ્યુટી કલેક્ટર બનવા માટે જે-તે રાજ્યની સ્થાનિક પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરવી પડે.

- આ પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થવું પડે.

- આ પરીક્ષા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.


  • Follow us on: