બદલાતા સમયની સાથે આર્થિક પગભર થવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાનો જોબ કે બિઝનેસ માટેનો માઈન્ડસેટ પણ બદલવો જરૂરી છે. તેમાંય શ્રેષ્ઠ પેકેજ આપતી અને ઈન ડિમાન્ડ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ પોતાની આસપાસની દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે, તેની સતત નોંધ લેવી જોઈએ.


કયા પ્રકારના પ્રોફેશનલોની ડિમાન્ડ વધી છે, એ ધ્યાનમાં રાખીએ તો બેસ્ટ પેકેજ વાળી નોકરી મેળવવી મુશ્કેલ નથી. એજ્યુસ્કોપમાં આજે પણ આપણે એવા કેટલાંક કરિયર વિકલ્પોની વાત કરીએ છીએ.

આપણે અગાઉ પણ અહીં જે કરિયર ઓપ્શન્સની વાત કરી ગયા છીએ, તેમાં એક ડેટા સાયન્સ છે. કરિયર માટે એ એક વિશ્વસનીય કરિયર હોવાનું અવાર-નવાર થનારા રીસર્ચ પરથી જાણવા મળ્યું છે. આજના સમયમાં સૌથી વધુ ડિમાન્ડમાં આ કરિયર છે. કેટલાંક અભ્યાસ મુજબ, દર વર્ષે ડેટા સાયન્સનું ફિલ્ડ 37 ટકા સાથે વધી રહ્યું છે. વધારામાં એક રીસર્ચ તો ત્યાં સુધી કહે છે કે, 2026 સુધીમાં ડેટા સાયન્ટિસ્ટની માંગમાં લગભગ 28 ટકા જેટલો વધારો પણ થવાનો છે.

આવા સંજોગોમાં આ ફિલ્ડમાં આગામી સમયમાં અનેક તકો ઊભી થવાની છે, એ બાબતે કોઈ શંકા નથી. સાચી વાત એ છે કે, આજના સમયમાં મોટી-મોટી સંસ્થાઓથી માંડીને બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં ડેટા જનરેટ કરે છે, અને પછી તેનો સંગ્રહ કરે છે-જેથી તેઓ ગ્રાહકની પસંદને સમજી શકે. સાથે જ ગ્રાહકો માટે બહેતર પ્રોડક્ટ પણ બનાવી શકે. તેને લીધે જ આજકાલ એવા પ્રોફેશનલોની જરૂર મોટાપાયે ઊભી થઈ છે, જે ડેટાનું અસરકારક રીતે વિશ્લેષણ કરી શકે અને ત્યારબાદ તેનો ઉપયોગ કરી શકે. આગામી દિવસોમાં ખેતીવાડી, હેલ્થકેર, એવિએશન સહિતના સેક્ટરોમાં પણ તેની માંગ વધવાની છે. આ ફિલ્ડમાં ડેટાનું વિશ્લેષણ કરીને તેને આધારે વિઝન તૈયાર કરવામાં આવશે.

કોવિડ સમયગાળા બાદ જેટલી ઝડપથી દેશમાં ડિજિટલાઈઝેશન વધી ગયું છે, એટલી જ ઝડપથી દેશમાં સાયબર ફ્રોડ પણ વધી ગયા છે. તાજેતરમાં જ એક એવો રીપોર્ટ મળ્યો હતો, જેમાં 21 સાયબર ફ્રોડસ્ટર્સ પકડાયા હતા જેમણે દેશના અલગ-અલગ હિસ્સાઓમાં આશરે 17,000થી વધુ લોકોને ચૂનો ચોપડયો હતો. આ કોઈ એક કેસ નથી, બલકે જે પ્રમાણમાં સાયબર છેતરપિંડી થાય છે, તેની માત્ર ટોચ જ છે. એક રીસર્ચ પ્રમાણે આગામી 2029 સુધીમાં સાયબર સિક્યુરિટી માર્કેટમાં પણ પ્રોફેશનલોની માંગમાં 31 ટકા સુધીનો ઉછાળો આવવાનો છે. તેને લીધે આ ખૂબ ઝડપથી વધી રહેલા જોબ માર્કેટમાં તેનો સમાવેશ થઈ જશે. આ ઉપરાંત મોટી-મોટી કંપનીઓ પોતાના ડેટા અને સિક્યોરિટીને માટે સાયબર સુરક્ષામાં ઝડપથી રોકાણ કરી રહી છે. તેથી આ ક્ષેત્રમાં કરિયર વિકલ્પ પસંદ કરવો જોઈએ.

  • Follow us on: