• મિચોંગના કહેરથી ચેન્નાઈમાં નુકસાન

  • ભારે વરસાદના લીધે જનજીવન ખોરવાયું
  • લોકોએ ખાવા-પીવાની ચીજોની ખરીદી વધારી

મિચોંગ વાવાઝોડું દક્ષિણ ભારતમાં હાલમાં કહેર મચાવી રહ્યું છે. તેના લીધે આંધ્ર અને તમિલનાડુના કાંઠાળ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. શહેરનો દરેક ખૂણો અને લગભગ દરેક નાગરિક આ વાવાઝોડાથી પ્રભાવિત થયો. આ દરમિયાન એક મોટા સમાચાર એવા પણ સામે આવ્યા હતા કે બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન પણ ચેન્નાઈમાં હતો અને આ વાવાઝોડાના ભારે વરસાદમાં ફસાઈ ગયો હતો.

ચક્રવાત મિચોંગે ચેન્નાઈમાં તબાહી મચાવી. આ તોફાનના કારણે શહેરના અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો સુધી દરેક પોતાનો જીવ બચાવવામાં વ્યસ્ત હતા. ફિલ્મ સ્ટાર્સ પણ તેનાથી પ્રભાવિત થયા હતા. બોલિવૂડ એક્ટર આમિર ખાનને પણ આ ખતરનાક વાવાઝોડાનો સામનો કરવો પડ્યો છે. તે 24 કલાક સુધી આ વાવાઝોડાના પ્રકોપમાં ફસાયેલો રહ્યો. ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમે આખરે ભારે પ્રયાસો બાદ આમિર ખાનને સુરક્ષિત રીતે બચાવી લીધો છે

વાવાઝોડા મિચોંગના કારણે તમિલનાડુ અને ચેન્નાઈમાં આજે ભારે વરસાદ થયો. જેના કારણે સર્વત્ર પૂરની સ્થિતિ સર્જાઈ. આમિર ખાન આ પૂરમાં ફસાઈ ગયો હતો. જો કે હવે તેને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે ચક્રવાત મિચોંગના કારણે તમિલનાડુમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને ચેન્નાઈમાં સ્થિતિ સૌથી ખરાબ છે. મિચોંગ વાવાઝોડાના લીધે સંપૂર્ણ દક્ષિણ ભારતની દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદ વરસ્યો હતો.

આ જ કારણોના લીધે ચેન્નાઈમાં ભારે વરસાદ થયો છે. વરસાદના કારણે ચેન્નઈના પોએસ ગાર્ડન વિસ્તારમાં એક રસ્તાનું ધોવાણ થઈ ગયું. આ વિસ્તારમાંથી દેખાતા દ્રશ્યોમાં રસ્તાની વચ્ચે એક મોટો ખાડો પડ્યો છે અને તેમાં એક પોલ પડી રહ્યો છે. મહત્વનું છે કે પોએસ ગાર્ડન એ દક્ષિણ ચેન્નાઈનો એક જાણીતો વિસ્તાર છે અને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જે જયલલિતા અહીં તેમના નિવાસસ્થાન વેદ નિલયમાં રહેતા હતા. જો કે અવિરત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને પાવરકટની પણ સમસ્યા ઊભી થઈ હતી. આ ભારે વરસાદના લીધે જનજીવન પણ ખોરવાઈ ગયું છે. સ્થિતિ એવી છે કે ઘણા લોકોને પોતાના ઘર છોડીને હોટલોમાં અથવા ગેસ્ટહાઉસો અને ધર્મશાળાઓમાં આશ્રય લેવો પડ્યો છે.

આ મામલે વહીવટીતંત્ર તરફથી સોમવાર અને મંગળવારે રજાઓ જાહેર કરવામાં આવી છે, શહેરભરની શાળાઓ અને કોલેજો બંધ કરી દેવાઈ છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે બચાવ ટુકડીઓ પણ કામે લગાડી દેવાઈ હતી. દરમિયાન, સ્થાનિક લોકો આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક કરી લીધો હતો. દુકાનોમાં પીવાના પાણીનો સ્ટોક ખાલી થવાના આરે હતો. લોકોએ પીવાના પાણીનો પણ સ્ટોક કરી લીધો હતો. મિચોંગના લીધે ચેન્નાઈ અને પુડુચેરીની આસપાસમાં ભારે વરસાદ વરસ્યો. આ વાવાઝોડામાં આમિર ખાન પણ ફસાઈ ગયો હતો. જો કે 24 કલાક સુધી ફસાયેલા રહ્યા બાદ આખરે ફાયર ટીમોના જવાનોની મહેનત બાદ તેનો છૂટકારો થયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાત્રે ચેન્નાઈમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, ચેન્નાઈ એરપોર્ટ પર આવતીકાલે સવારે 9 વાગ્યા સુધી કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. રનવે પર પાણી ભરાઈ જવાને કારણે લગભગ 70 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. દક્ષિણ રેલવેએ ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડતી અને કોઈમ્બતુર અને મૈસૂર જતી ઘણી ટ્રેનોને સસ્પેન્ડ કરવાની માહિતી આપી છે. શહેરમાં 14 સબવે પણ બંધ કરી દેવાયા હતા.


  • Follow us on: