- હોલીવુડ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તબાહીની તસ્વીર કરી શેર
- સંઘર્ષની સ્થિતિ પર એક લાંબી નોટ લખી એન્જેલિના થઈ ભાવુક
- ગાઝા પરનાં હુમલાને ગણાવ્યું આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ
ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધ પર દરરોજ ફિલ્મ સ્ટાર્સના રિએક્શન આવી રહ્યા છે. હવે લોકપ્રિય હોલીવુડ અભિનેત્રી એન્જેલીના જોલીએ ગાઝા પર ઈઝરાયેલના હુમલાની નિંદા કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક લાંબી નોટ શેર કરી છે અને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમનું કહેવું છે કે હુમલાના કારણે ગાઝા સામૂહિક કબર બની રહી છે.
ગાઝાની સ્થિતિ જોઈને અભિનેત્રી વ્યથિત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. 7 ઓક્ટોબરે શરૂ થયેલું આ યુદ્ધ હજુ પણ યથાવત છે. ઈઝરાયેલ દ્વારા ગાઝા પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. વિશ્વના ઘણા દેશો આ યુદ્ધને રોકવા માટે અપીલ પણ કરી રહ્યા છે પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. હવે પ્રખ્યાત હોલીવુડ અભિનેત્રી એન્જેલિના જોલીની પ્રતિક્રિયા સામે આવી છે. ગાઝા પર ઈઝરાયેલના હુમલાને લઈને તે ગુસ્સામાં જોવા મળી રહી છે. એન્જેલિનાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસ્વીરમાં ગાઝા બધુ બરબાદ જોવા મળી રહ્યું છે. આ સાથે તેણે એક લાંબી નોટ લખી છે, જેના દ્વારા તેણે ગાઝા પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેણે કહ્યું છે કે ગાઝા સામૂહિક કબર બની રહી છે.
શું કહ્યું એન્જેલિનાએ?
એન્જેલિના જોલીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે “આ બોમ્બ ધડાકા જાણી જોઈને એવા ફસાયેલા લોકો પર કરવામાં આવ્યા છે જેમની પાસે બચવા માટે કોઈ જગ્યા નથી. લગભગ બે દાયકાથી ગાઝા ખુલ્લી જેલ અને સામૂહિક કબર જેવું બની રહ્યું છે. મૃત્યુ પામેલા લોકોમાં 40 ટકા બાળકો હતા. જ્યારે દુનિયા જોઈ રહી છે ત્યારે સમગ્ર પરિવારોની હત્યા કરવામાં આવી રહી છે." અભિનેત્રીએ આગળ લખતા જણાવ્યું હતું કે, "અનેક સરકારોના સમર્થનથી લાખો પેલેસ્ટિનિયનો, બાળકો, મહિલાઓ અને પરિવારોને સામૂહિક સજા અને અમાનવીય વર્તનનો આધિન કરવામાં આવી રહ્યા છે. તેમને ખોરાક, દવા અને આવશ્યક સહાયથી વંચિત રાખવામાં આવે છે. જે આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે." પોસ્ટના અંતે એન્જેલિના કહ્યુ હતું કે "માનવીય યુદ્ધવિરામની માંગ કરવાનો ઇનકાર કરીને અને યુએન સુરક્ષા પરિષદને બંને બાજુએ તેને લાગુ કરવાથી અટકાવીને વિશ્વના નેતાઓ પણ આ ગુનાઓમાં સામેલ છે."
અનેક સેલેબ્રિટિઝે આપી પ્રતિક્રિયા
એન્જેલિના જોલી પહેલા બેલા હદીદ સહિત અનેક સ્ટાર્સે આ યુદ્ધ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્નાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.