બોલીવુડના ફેમસ મેકર-ડાયરેક્ટર કરણ જોહરે તેમની કંપની ધર્મા પ્રોડક્શનમાં પોતાનો અડધો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે અને આ માટે એક ડીલ પણ કરવામાં આવી છે, જેની કિંમત 1000 કરોડ રૂપિયા છે. આ ડીલ ભારતીય મનોરંજન ઉદ્યોગની અત્યાર સુધીની સૌથી મોટી ડીલમાં સામેલ થશે.


'કુછ કુછ હોતા હૈ'થી લઈને 'કભી ખુશી કભી ગમ' અને 'માય નેમ ઈઝ ખાન' જેવી હિટ ફિલ્મો આપનાર કરણ જોહરે દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ અદાર પૂનાવાલા સાથે આ ડીલ કરી છે.

અદાર પૂનાવાલા સાથે કરી ડીલ

રિપોર્ટ મુજબ અદાર પૂનાવાલાની સેરેન પ્રોડક્શન્સ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ અને ધર્માટિક એન્ટરટેઈનમેન્ટમાં 1,000 કરોડ રુપિયામાં 50 ટકા હિસ્સો ખરીદશે. આ ડીલમાં ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની ધર્મા પ્રોડક્શનનું વેલ્યુએશન અંદાજે 2000 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. ડીલ પૂરી થયા પછી, પ્રોડક્શન કંપનીમાં બાકીનો અડધો હિસ્સો ધર્મા પ્રોડક્શન્સ પાસે રહેશે અને કરણ જોહર કાર્યકારી અધ્યક્ષ રહેશે.

ઘણા જૂથો સાથે ચાલી રહી હતી વાતચીત

કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ છેલ્લા કેટલાક સમયથી સારા રોકાણની શોધમાં હતી અને સંજીવ ગોએન્કાની આગેવાની હેઠળના સારેગામા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જિયો સિનેમા સહિતના ઘણા મોટા જૂથો સાથે વાતચીત કરી રહી હતી. મોટા સમાચાર આવ્યા કે વેક્સિન નિર્માતા સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલા ધર્મા પ્રોડક્શનમાં આ હિસ્સો ખરીદવા માટે સંમત થયા છે.

યશ જોહરે કરી હતી સ્થાપના

સ્વર્ગસ્થ યશ જોહર દ્વારા 1976 માં સ્થાપિત ધર્મા પ્રોડક્શન્સ, કરણ જોહરના નેતૃત્વમાં બોવીવુડમાં પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું છે અને તેને ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાં 'કભી ખુશી કભી ગમ', 'યે જવાની હૈ દીવાની', 'કુછ કુછ હોતા હૈ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનો સમાવેશ થાય છે. આ પ્રોડક્શન હાઉસ હેઠળ 50 થી વધુ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેના પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને, 2018 માં, કરણ જોહરની કંપનીએ Dharmatic Entertainment સાથે ડિજિટલ કન્ટેન્ટમાં પ્રવેશ કર્યો અને Netflix અને Amazon Prime જેવા ગ્લોબલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ માટે શોનું નિર્માણ કર્યું.

કરણ જોહરની કંપનીની ફાઈનાશિયલ હેલ્થ

મીડિયા રિપોર્ટ મુજબ ધર્મા પ્રોડક્શનની આ ડીલ એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે તેની આવકમાં લગભગ ચાર ગણો વધારો નોંધાયો છે. જે અગાઉના વર્ષના 276 કરોડ રૂપિયાની સરખામણીએ નાણાકીય વર્ષ 23માં વધીને 1,040 કરોડ રૂપિયા થઈ છે. તેમ છતાં, ખર્ચમાં વધારો થવાને કારણે ચોખ્ખો નફો 59% ઘટીને 11 કરોડ રૂપિયા થયો છે. કંપનીએ વિતરણ અધિકારોમાંથી 656 કરોડ રૂપિયા, ડિજિટલમાંથી 140 કરોડ રૂપિયા, સેટેલાઈટ અધિકારોમાંથી 83 કરોડ રૂપિયા અને સંગીતમાંથી 75 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

વેક્સીન કિંગે ડીલ પર શું કહ્યું?

ફાઈનાશિયલ સર્વિસ, રિયલ એસ્ટેટથી લઈને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં અદાર પૂનાવાલાએ પોતાનો વ્યવસાય વિસ્તાર્યો છે અને આ નવી ડીલ વિશે તેમને કહ્યું છે કે હું મારા મિત્ર કરણ જોહર સાથે મળીને અમારા દેશના સૌથી પ્રતિષ્ઠિત પ્રોડક્શન હાઉસમાં ભાગીદારી કરી રહ્યો છું. સાથે મળીને અમે ધર્માને આગળ લઈ જવાની અને વધુ ઊંચાઈઓને સ્પર્શવાની આશા રાખીએ છીએ.

  • Follow us on: