એપોલીના ફેમ એક્ટ્રેસ અદિતિ શર્મા હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે, જેનું કારણ તેના છૂટાછેડાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ મુજબ એક્ટ્રેસ અને અભિનીત કૌશિક છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. તેનું કારણ છેતરપિંડી છે.


તમને જણાવી દઈએ કે અદિતિ શર્મા અને અભિનીત વચ્ચેના સંબંધો પહેલાથી જ ચર્ચામાં રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને લિવ-ઈન પાર્ટનર પણ હતા, તેને નવેમ્બર 2024 માં ખાનગી રીતે લગ્ન પણ કર્યા હતા, પરંતુ હવે તેમના અલગ થવાના સમાચારોએ જોર પકડ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનીતે અદિતિ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે, તે કહે છે કે અદિતિનું તેના કો-સ્ટાર સમર્થ્ય ગુપ્તા સાથે અફેર છે. તેને બંનેને એકસાથે પકડી લીધા. કોઈએ કલ્પના પણ ન હતી કરી કે માત્ર ચાર મહિનામાં બંને વચ્ચેનો સંબંધ ઘૃણાસ્પદ વળાંક લેશે.

'પરિણીત એક્ટ્રેસને ઈન્ડસ્ટ્રીમાં કામ મળતું નથી': અદિતિ શર્મા

મીડિયા સાથેની વાતચીતમાં અભિનીત અને તેમના કાયદાકીય સલાહકાર રાકેશ શેટ્ટીએ દાવો કર્યો હતો કે 'અદિતિ ઈચ્છતી હતી કે તેના લગ્ન ગુપ્ત રાખવામાં આવે કારણ કે પરિણીત એક્ટ્રેસને ઈન્ડસ્ટ્રીમાં કામ મળતું નથી અને તેથી જ અમે એક ગુપ્ત લગ્ન કર્યા જેમાં ફક્ત અમારા પરિવારના સભ્યો જ હાજર હતા.'


'અભિનીત અને અદિતિના લગ્ન 12 નવેમ્બર 2024 ના રોજ થયા'

કાયદાકીય સલાહકાર રાકેશ શેટ્ટીએ જણાવ્યું હતું કે 'અભિનીત અને અદિતિના લગ્ન 12 નવેમ્બર 2024 ના રોજ થયા હતા, બંનેએ ગોરેગાંવ સ્થિત તેમના ઘરે લગ્ન કર્યા હતા. તે બંને છેલ્લા ચાર વર્ષથી આ 5 BHK એપાર્ટમેન્ટમાં લિવ-ઈન પાર્ટનર હતા. અભિનીતે કહ્યું કે જ્યારે તમે કોઈને ખૂબ પ્રેમ કરો છો ત્યારે તમે તે વ્યક્તિ માટે કંઈ પણ કરવા તૈયાર છો.

'હું અદિતિને ખૂબ પ્રેમ કરું છું અને તેથી મેં તેના કરિયર માટે મારા લગ્ન ગુપ્ત રાખ્યા હતા.' અમારા લગ્નમાં બે પંડિતો આવ્યા અને બધી વિધિઓ સાથે લગ્ન કર્યા. મારી પાસે લગ્નના હજારો ફોટા છે જે અમારા લગ્નની પ્રામાણિકતા સાબિત કરશે.

પતિએ કો-સ્ટાર સાથે અફેર હોવાનો કર્યો દાવો

અભિનીતે કહ્યું કે 'અમારી વચ્ચે બધું બરાબર અને સુંદર હતું, પરંતુ સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે અદિતિ શર્માનું 'એપોલીના' ના કો-એક્ટર સમર્થ્ય ગુપ્તા સાથે અફેર હતું, મેં બંનેને રંગે હાથે પકડ્યા.' અમારી વચ્ચે ઝઘડા શરૂ થયા. જ્યારે મેં કાયદાકીય મદદ લીધી અને છૂટાછેડા માટે કહ્યું, ત્યારે અદિતિ અને તેના પરિવારે અમારા લગ્ન સ્વીકારવાની ના પાડી.

અદિતિએ અભિનીત પાસેથી 25 લાખ રૂપિયાની કરી માગ

અભિનીત કૌશિક અને તેમની કાયદાકીય ટીમે આરોપ લગાવ્યો છે કે 'અદિતિ શર્મા અને તેમના પરિવારે તેમની પાસેથી અલગ થવા માટે 25 લાખ રૂપિયાની માગણી કરી છે. અદિતિ અને અભિનીત હાલમાં અલગ રહે છે અને બંનેએ એકબીજા પર હુમલો કરવાનો આરોપ પણ લગાવ્યો છે. પરંતુ આ સમગ્ર મુદ્દે અદિતિ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


  • Follow us on: