પોપ્યુલર ટીવી શો અનુપમાના સેટ પર 14 નવેમ્બર 2024ના રોજ એક દુર્ઘટના બની હતી. કેમેરા આસિસ્ટન્ટ અજીત કુમારનું મોત થયુ હતું. આ દુઃખદ ઘટનાને લઇને શૉના પ્રોડ્યુસર રાજન શાહીએ સત્તાવાર નિવેદન જાહેર કર્યુ છે.
તેમણે લખ્યુ કે ડાયરેક્ટર્સ કુટ પ્રોડક્શન અને શાહી પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા 18 વર્ષથી ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. અમારી ટીમે યે રિશ્તા ક્યા કહેલાતા હે, બિદાઇ અને અનુપમા જેવા શૉ બનાવ્યા છે. અમારી 300થી વધારે લોકોની મહેનત અને ડેડિકેશનનું પરિણામ છે.
કેમેરા આસિસ્ટન્ટને લાગ્યો હતો કરંટ
14 નવેમ્બરના રોજ એપ્રેન્ટિસ કેમેરા સહાયક અજીત કુમારને ફિલ્મ સિટીમાં 'અનુપમા'ના સેટ પર આકસ્મિક રીતે ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. તેણે ભૂલથી લાઈટનો સળિયો અને કેમેરા એકસાથે ઉપાડી લીધા હતા અને તેણે સલામતી માટે ચપ્પલ પણ પહેર્યા ન હતા. સેટ પર હાજર ડીઓપી (ડાયરેક્ટર ઓફ ફોટોગ્રાફી)એ તેને 'માનવ ભૂલ' ગણાવી. ઘટના બાદ અજિતને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ અફસોસ કે અમે તેને બચાવી શક્યા નહીં.
વધુમાં તેમણે જણાવ્યું કે અમે તરત જ અજિત કુમારના પરિવારને પટનાથી મુંબઈ લાવવા માટે ફ્લાઈટ ટિકિટની વ્યવસ્થા કરી. અમે તેની હોસ્પિટલ અને મેડિકલ ખર્ચની સંપૂર્ણ જવાબદારી લીધી. આ સિવાય અમે પરિવારને પટના પરત ફરવામાં મદદ કરી અને વળતર પણ આપ્યું. વીમાની રકમ તેમના નોમિનીને આપવામાં આવશે.
અફવા ફેલાવનારા સામે અમે કાર્યવાહી કરીશું
અમારી ટીમના તમામ સભ્યોની સુરક્ષા અને સુખાકારી હંમેશા અમારી પ્રાથમિકતા રહી છે. આ અકસ્માત અમારા માટે મોટો આઘાત છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અજીત કુમારની આત્માને શાંતિ મળે. વધુમાં જણાવ્યું કે કેટલાક લોકો આ ઘટનાને લઈને અફવા ફેલાવી રહ્યા છે. અમે સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ કે જો આને રોકવામાં નહીં આવે તો અમે આવા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીશું.
અમે પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા, ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ કાઉન્સિલ (IFTPC), ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA), અને ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) ને પણ આ ઘટના વિશે જાણ કરી છે.
