રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ઐતિહાસિક IPL 2025ના જીતની ઉજવણી એક દુ:ખદ અકસ્માત સાથે સમાપ્ત થઈ હતી. હકીકતમાં આ જીતની ઉજવણી દરમિયાન એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાથી ખેલાડીઓ અને તેમના પરિવારો ઊંડા આઘાતમાં છે. બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટે પણ આ હૃદયદ્રાવક સમાચાર પર દુઃખ વ્યક્ત કર્યું છે.


અનુષ્કા શર્માએ શેર કરી પોસ્ટ

અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર IPL ટીમ RCBનું સત્તાવાર નિવેદન શેર કર્યું અને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પોસ્ટમાં લખ્યું છે કે, 'મીડિયા રિપોર્ટ્સ દ્વારા પ્રકાશમાં આવેલી કમનસીબ ઘટનાઓથી અમે ખૂબ જ દુઃખી છીએ જેમાં આજે બપોરે ટીમના આગમનના ઉત્સાહમાં બેંગલુરુમાં લોકો એકઠા થયા હતા. દરેકની સલામતી અને સુખાકારી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.'

નિવેદનમાં આગળ લખ્યું છે કે, 'RCB જાનહાનિ પર શોક વ્યક્ત કરે છે અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે. પરિસ્થિતિ વિશે જાણ્યા બાદ અમે તાત્કાલિક અમારા સમયપત્રકમાં સુધારો કર્યો અને સ્થાનિક વહીવટીતંત્રના માર્ગદર્શન અને સલાહનું પાલન કર્યું હતું. અમે અમારા સમર્થકોને કૃપા કરીને સુરક્ષિત રહેવાની અપીલ કરીએ છીએ. આ નિવેદન શેર કરતા અનુષ્કા શર્માએ 3 તૂટેલા હૃદયના ઇમોજી પોસ્ટ કર્યા છે.

અનુષ્કાએ બેંગલુરુના રસ્તાઓ પર ઉજવણીની ઝલક બતાવી

 આ પહેલા અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ફેન્સને બેંગલુરુના રસ્તાઓ પર ઉજવણીની ઝલક બતાવી હતી. અભિનેત્રી પોતાના ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે RCB પરેડ બસમાં જોવા મળી હતી અને તેણે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ જતી બસના દ્રશ્યો બતાવ્યા હતા. તેણે વિરાટને બસની આગળ બેઠેલા ટ્રોફીને ખોળામાં રાખીને પણ બતાવ્યો હતો. વીડિયોમાં એસ્કોર્ટ કાર રસ્તો સાફ કરતી પણ દેખાઈ હતી જેથી બસ આગળ વધી શકે. અનુષ્કાએ પોતાની સ્ટોરીમાં લખ્યું હતું કે, 'નમ્મા બેંગલુરુના હાલનાં દ્રશ્યો.' તેણે બીજી સ્ટોરીમાં લખ્યું હતું કે, આ ખુશ ચહેરાઓ ખૂબ પ્રેમ અને ધીરજ સાથે આની રાહ જોઈ રહ્યા છે.'

બેંગ્લોરમાં થયેલી ભાગદોડ ઘટના

શહેરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ફેન્સ જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ બાદ ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા અને 33 લોકો ઘાયલ થયા હતા.


  • Follow us on: