હિન્દી સિનેમા માટે અત્યારે સારા દિવસો ચાલી રહ્યા છે. બોક્સ ઓફિસ પર માર્ચ મહિના બાદથી બિગ સ્ટાર અને બિગ બજેટની ફિલ્મો ધૂમ મચાવી રહી છે. ગત સપ્તાહે રિલીઝ થયેલ રાજકુમાર રાવની 'ભૂલ ચૂક માફ' ફિલ્મને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. 'ભૂલ ચૂક માફ' ફિલ્મને લઈને સિને માલિકો અને નિર્માતાઓ વચ્ચે વિવાદ બાદ પણ રિલીઝ થયાના ત્રણદિવસની અંદર ફિલ્મે બોક્સ ઓફિસ પર 28 કરોડનું જોરદાર કલેકશન કર્યું છે.
બિગ સ્ટારની ફિલ્મો વચ્ચે રાજકુમારે માર્યું મેદાન
સિનેમાઘરમાં અત્યારે મિશન ઇમ્પોસિબલ, રેડ-2, કેસરી-2 જેવી બિગ સ્ટારની ફિલ્મો ચાલી રહી છે. ત્યારે આ તમામ ફિલ્મો વચ્ચે રાજકુમારની ફિલ્મનું ત્રણ દિવસમાં સારું કલેકશન કર્યું છે. રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી સ્ટારર ફિલ્મ 'ભૂલ ચૂક માફ' અગાઉ 9 મેના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હતી. પરંતુ આ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સ્થિતિનો માહોલ હતો. પહલગામની આતંકી ઘટના બાદ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરને અંજામ આપતા પાકિસ્તાન કબ્જા હેઠળના આતંકવાદીઓના 9 ઠેકાણા ધ્વસ્ત કરાયા હતા. આ કાર્યવાહીને પગલે પાકિસ્તાને ભારતના સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા.
વિવાદનો ઉકેલનો અંત આવ્યો
પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ આ હુમલાઓને પગલે ખેલાડીઓની સુરક્ષાકારણોસર આઈપીએલ પણ સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે આવી સ્થિતિમાં 'ભૂલ ચૂક માફ' ફિલ્મના નિર્માતાઓએ 9મેના રોજ સિનેમાઘરોમાં ફિલ્મની રિલીઝ ટાળવાનો નિર્ણય કર્યો હતો. ફિલ્મ રિલીઝ થવાના એક દિવસ અગાઉ જ આ નિર્ણય લેવાતા પીવીઆર સિનેમા દ્વારા નિર્માતાઓ પર નુકસાનીનો દાવો કરવામાં આવ્યો હતો.
ફિલ્મને ફળ્યો વિવાદ, થઈ સુપરહિટ
અંતતઃભારતમાં યુદ્ધ વિરામ બાદ સ્થિતિ સામાન્ય બનતા થિયેટર અને નિર્માતાઓના વિવાદનો અંત આવ્યો અને 23મે શુક્રવારના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ. રાજકુમાર રાવ અને વામિકા ગબ્બીની ફિલ્મે પહેલા સપ્તાહમાં જ બોક્સ ઓફિસ પર શાનદાર દેખાવ કર્યો. ફિલ્મે પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર અપેક્ષા વિરુદ્ધ 7 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. મેડોક ફિલ્મ્સ દ્વારા નિર્મિત 'ભૂલ ચૂક માફ'નું બજેટ 50 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ
આવી સ્થિતિમાં, ફિલ્મની શરૂઆત જ સૂચવે છે કે આગામી દિવસોમાં ફિલ્મ બોક્સ ઓફિસ પર બજેટ કરતાં પણ વધુ સારો આંકડો મેળવશે. 'ભૂલ ચૂક માફ' ફિલ્મમાં ફિક્શન, કોમેડી અને ડ્રામા જોવા મળે છે. ફિલ્મની વાર્તાએ પહેલાથી જ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. બીજી તરફ, દર્શકો પણ કલાકારો અને તેમના અભિનયના વખાણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે રાજકુમાર રાવની આ પહેલાની સ્ત્રી ફિલ્મ પણ દર્શકોને પસંદ આવી હતી. રાજકુમાર રાવ હટકે ફિલ્મ કરવાને લઈને બોલીવુડમાં જાણીતો છે. અને તેની આ જ શૈલીના કારણે તે અન્ય એકશન હિરોથી અલગ પડે છે.