- કાળઝાળ ગરમી વચ્ચે વેબ સિરીઝની સિઝન-3નું શૂટિંગ થયું
- તડકા સામેના સંઘર્ષનો સ્વીકાર કરી લીધો તો સહજ થઈ ગઈઃ નીના ગુપ્તા
- શૂટિંગ વખતે અમે અમારા ચહેરા અને ગરદન પર ભીનું કપડું મૂકતા હતા: નીના ગુપ્તા
એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ પંચાયતની ત્રીજી સિઝન ટૂંકસમયમાં રિલીઝ થવા જઈ રહી છે. સિરીઝની કાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન વખતે કાસ્ટ શૂટિંગની ઘણી બધી વાતો શેર કરી રહી છે. હવે નીના ગુપ્તાએ કહ્યું છે કે તે શૂટિંગ વખતે તે ખુશ નહોતી. એક મુલાકાતમાં નીના ગુપ્તાએ કહ્યું કે,' હકીકતે જ્યારે હું કામ કરતી હોઉં ત્યારે સૌથી ખુશ હોઉં છું. કામ સારું હોય તો મને રેતી, 47 ડિગ્રી તાપમાનની ચિંતા નથી હોતી. પંચાયત-3નું શૂટિંગ ડેટ ઇશ્યૂના કારણે ગરમીમાં થયું. શૂટિંગ વખતે અમે અમારા ચહેરા અને ગરદન પર ભીનું કપડું મૂકતા હતા. નીનાએ કહ્યું કે શૂટિંગ વખતે ગમે તેટલી છત્રી હોય તો પણ તેનાથી કોઈ ફરક નથી પડતો. તમે શોટ માટે તૈયાર હોવ અને સાઉન્ડ- એક્શન વચ્ચે થોડો સમય લાગતો જ હોય છે.' એક શોટમાં તડકામાં ઊભી હતી અને દિગ્દર્શકે સાઉન્ડ એક્શન બોલી નાખ્યું. તેથી માથેથી છત્રીઓ હટાવી દેવામાં આવી. પરંતુ શોટ રેડી થવામાં થોડો સમય હતો અને ધોમધખતો તડકો પડી રહ્યો હતો. હું ગરમીમાં શેકાઈ રહી હતી. હું પોતાને ફરિયાદ કરતી બોલી રહી હતી કે આ શું છે? પરંતુ મને અહેસાસ થયો કે જીવનમાં આ ખૂબ જરૂરી છે. તમે તેનાથી ભાગી નથી શકતા. તમારે તે શોટ આપવો જ પડે. મેં તે વાતનો સ્વીકાર કરી લીધો, સ્વીકાર કરતાં જ હું સામાન્ય અને સહજ થઈ ગઈ.'
નીનાએ કહ્યું કે, 'મારી કારકિર્દીમાં મોટાભાગના સમય દરમિયાન મારી પાસે ભૂમિકા પસંદ કરવાનો વિકલ્પ નહોતો. તે તબક્કો પસાર થઈ ચૂક્યો છે. હવે હું એ ભૂમિકા જ કરું છું કે જેમાં મારો ઉત્સાહ વધે. પરંતુ કોઈને નુકસાન થાય એવું ખોટું હું નથી કરી શકતી.










