- થ્રિલરમાં સૈફ અલી સામે વિલનની ભૂમિકામાં જોવા મળી શકે છે
- ફિલ્મ નિર્માતા પ્રિયદર્શને વિલનની ભૂમિકા માટે બોબીનો સંપર્ક કર્યો
- ફિલ્મમાં સૈફ નેત્રહીન વ્યક્તિની ભૂમિકામાં જોવા મળશે
અભિનેતા બોબી દેઓલની નેગેટિવ ભૂમિકા ખૂબ વખણાઈ છે. આશ્રમ સિરીઝમાં નિરાલા બાબાની ભૂમિકામાં પ્રશંસા મેળવ્યા પછી ફિલ્મ લવ હોસ્ટેલ અને એનિમલમાં તેઓ નેગેટિવ ભૂમિકામાં જોવા મળ્યા. થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા છે કે ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન પોતાની થ્રિલર ફિલ્મ માટે સૈફ અલી ખાન સાથે વાતચીત કરી રહ્યા છે. જુલાઈથી તેનું શૂટિંગ શરૂ થશે. ફિલ્મમાં સૈફ નેત્રહીન વ્યક્તિની ભૂમિકામાં જોવા મળશે. હવે ખબર છે કે તે થ્રિલર ફિલ્મમાં વિલનની ભૂમિકા નિભાવવા માટે પ્રિયદર્શને બોબી દેઓલનો સંપર્ક કર્યો છે. કેટલાક સૂત્રો દાવા કરી રહ્યા છે કે બોબી દેઓલે ફિલ્મ કરવામાં રુચિ દાખવી છે. તેમના પાત્રની આસપાસ ફરતા રહેતા કથાનકમાં અનેક વળાંક આવતા રહે છે. ફિલ્મમાં તેમનો સામનો સૈફ સાથે થવાનો હોવાથી પણ બોબી દેઓલ ઉત્સાહિત છે.
જોકે બોબી દેઓલ આવનારા છ મહિના સુધી કોઈ તારીખ ફાળવી શકે તેવી સ્થિતિમાં નથી. તેમ છતાં ફિલ્મ હાથમાંથી સરી ના જાય તે હેતુસર શૂટિંગ માટે એક મહિનો ફાળવવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. નિર્માતાઓ જુલાઈના આરંભથી ફિલ્મ શૂટિંગની શરૂઆત કરીને ઓગસ્ટમાં શૂટિંગ પૂરું કરવા માંગે છે. બધું યોજનાબદ્ધ રીતે આગળ વધશે તો પ્રિયદર્શન અક્ષયકુમાર સાથે ફિલ્મ શરૂ કરતાં પહેલાં પોતાની આ થ્રિલર ફિલ્મ પૂરી કરી લેશે. બોલી દેઓલ માટે વર્ષ 2023 સારું છે. ફિલ્મ એનિમલમાં બોબી દેઓલની ભૂમિકાની પણ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા રણવીર કપૂરે નિભાવી હતી.










