- બાઇકસવારે અભિનેત્રીની કારનો કાચ તોડી નાખ્યો : ભાજપના પ્રહારો
- કોલકાતાના માર્ગો પર મહિલાઓની સુરક્ષા ક્યાં છે?
- દરમિયાન ભાજપે પાયલ મુખરજી પરના હુમલાની નિંદા કરી છે અને મમતા સરકાર પર સવાલ ઉઠાવ્યો છે
કોલકાતાથી વધુ એક પરેશાન કરનારી ઘટના સામે આવી છે, જેમાં એક બાઇકસવારે સુપ્રસિદ્ધ બંગાળી અભિનેત્રીની કાર પર હુમલો કર્યો હતો. આરોપો અનુસાર બાઇક સવારે અભિનેત્રીની કાર પર મુક્કો મારીને તેનો કાચ તોડી નાખ્યો હતો અને કારમાં બેઠેલી અભિનેત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના શુક્રવારે સાંજે સાઉથ કોલકાતાના સધર્ન એવન્યૂમાં સર્જાઈ હતી. આ ઘટના દરમિયાન અભિનેત્રીએ પોતાની ફેસબુક પ્રોફાઇલ પર લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કરી દીધું હતું અને સમગ્ર ઘટના પોતાના ચાહકોને દેખાડી હતી. આ વીડિયોમાં દેખાય છે કે અભિનેત્રી રડતા રડતાં પોતાની કારનો તૂટેલો કાચ દેખાડે છે અને જણાવે છે કે કોલકાતાના માર્ગો પર મહિલાઓની સુરક્ષા ક્યાં છે? બાઇકસવારે મને કાચ ખોલવા જણાવ્યું હતું, પણ મેં ખોલી ન હતી તેથી તેણે મુક્કો મારીને કાચ તોડી નાખ્યો હતો અને કાચના ટુકડા મને પણ વાગ્યા હતાં. લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન અનેક લોકોએ કોલકાતા પોલીસને ટેગ કરી હતી. સોશિયલ મીડિયા પરથી માહિતી પ્રાપ્ત થયા બાદ કોલકાતા પોલીસની એક ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. દરમિયાન ભાજપે પાયલ મુખરજી પરના હુમલાની નિંદા કરી છે અને મમતા સરકાર પર સવાલ ઉઠાવ્યો છે.










