• કાર્તિકની માસૂમિયતને કારણે બડજાત્યા તેને કાસ્ટ કરવા મન બનાવી ચૂક્યા છે

  • સલમાને સૂરજ બડજાત્યાની ઘણી બધી ફિલ્મોમાં 'પ્રેમ'ની ભૂમિકા નિભાવી છે
  • સૂરજ બડજાત્યા હવે બોલિવૂડને એક નવા 'પ્રેમ'ની ભેટ આપવા જઇ રહ્યા છે

બોલિવૂડમાં 'પ્રેમ' નામ સાંભળતા જ તરત નજર સામે સલમાનની છબિ આવી જાય છે. સલમાને સૂરજ બડજાત્યાની ઘણી બધી ફિલ્મોમાં 'પ્રેમ'ની ભૂમિકા નિભાવી છે. જોકે સૂરજ બડજાત્યા હવે બોલિવૂડને એક નવા 'પ્રેમ'ની ભેટ આપવા જઇ રહ્યા છે. સૂરજ બડજાત્યા પોતાની આગામી ફિલ્મમાં કાર્તિક આર્યનને કાસ્ટ કરી શકે છે. સૂરજ બડજાત્યા આમ તો પોતાના નવા પ્રોજેક્ટ 'પ્રેમ કી શાદી'માં સલમાન ખાનને કાસ્ટ કરવા માંગતા હતા. પરંતુ સલમાન પોતાની કારકિર્દીના આ તબક્કામાં રોમેન્ટિક ફિલ્મો કરવા ઇનકાર કરી રહ્યા છે. તેથી સૂરજ બડજાત્યા ફિલ્મમાં બીજા અભિનેતાને કાસ્ટ કરવા માંગે છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ સૂરજ બડજાત્યા ફિલ્મમાં કાર્તિક આર્યનને કાસ્ટ કરવા મન બનાવી રહ્યા છે. સૂરજ બડજાત્યાએ તે સંદર્ભમાં કાર્તિક આર્યન સાથે વાતચીત શરૂ કરી દીધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૂરજ બડજાત્યા કોઇ એવા અભિનેતાની શોધમાં છે જે સ્ક્રીન પર માસૂમ દેખાય. બડજાત્યાને કાર્તિક આર્યનમાં માસૂમિયત દેખાઇ છે. તેથી બડજાત્યા કાર્તિક આર્યનને કાસ્ટ કરવા મન બનાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે કાર્તિક આર્યનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' ટૂંકસમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે. કાર્તિક આર્યન ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મની પટકથા પ્રથમ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત છે. ફિલ્મ એક સ્પોર્ટ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ માટે કાર્તિક આર્યન ખૂબ મહેનત કરી ચૂક્યા છે. ફિલ્મ માટે તૈયાર થવા કાર્તિકે અનેક મહિના સુધી ખાંડ નહોતી ખાધી. સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરતા રહ્યા હતા. ફિલ્મના ટ્રેલરને જોતાં કહી શકાય કે કાર્તિક આર્યને પોતાના ફિઝિકને ખૂબ ટ્રાન્સફોર્મ કર્યું છે.


  • Follow us on: