અમિતાભ બચ્ચનની ફિલ્મ 'સૂર્યવંશમ'ની અભિનેત્રી સૌંદર્યા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જે 21 વર્ષ પહેલા દુનિયા છોડીને જતી રહી છે. હમણા સુધી તમામ લોકો એવું માનતા હતા કે, સૌંદર્યાનું મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયું હતું. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે માત્ર અકસ્માત નહીં પણ હત્યા હતી. દક્ષિણના પીઢ અભિનેતા મોહન બાબુ પર સૌંદર્યાની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.


મોહન બાબુ પર ગંભીર આરોપો

72 વર્ષીય મોહન બાબુ દક્ષિણના જાણીતા અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે. એક વ્યક્તિએ તેમના પર સૌંદર્યાના મૃત્યુમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. 17 એપ્રિલ 2004 ના રોજ, અભિનેત્રીએ વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરંતુ હવે તેના મૃત્યુ વિશે એક મોટો ખુલાસો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌંદર્યા અને મોહન વચ્ચે મિલકતને લઈને વિવાદ હતો. ફરિયાદી ચિટ્ટીમલ્લુએ સૌંદર્યાના મૃત્યુ અંગે આંધ્રપ્રદેશના ખમ્મમ જિલ્લાના ખમ્મમ એસીપી અને ખમ્મમ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, સૌંદર્યા અને તેના ભાઈ અમરનાથે શમશાબાદના જલપલ્લી ગામમાં મોહન બાબુને છ એકર જમીન વેચવાનો ઇનકાર કર્યો હતો અને તેના કારણે તેમની વચ્ચે વિવાદ થયો હતો. ફરિયાદીએ એમ પણ કહ્યું હતું કે મોહન બાબુએ સૌંદર્યાના મૃત્યુ પછી તેના ભાઈ-બહેનો પર જમીન માટે દબાણ કર્યું અને તેનો કબજો મેળવ્યો. ચિટ્ટીમલ્લુએ એમ પણ કહ્યું છે કે મોહન બાબુથી તેમના જીવને ખતરો છે. અને પોલીસ પાસે રક્ષણ માંગ્યું છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ કેસમાં શું કાર્યવાહી કરે છે અને અભિનેત્રીના મૃત્યુના 21 વર્ષ પછી કોઈ નવી તસવીર બહાર આવે છે કે કેમ?

સૌંદર્યાનું મૃત્યુ કેવી રીતે થયું?

સૌંદર્યા એક લોકપ્રિય અભિનેત્રી હતી. તેણીએ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'સૂર્યવંશમ' માં 'રાધા' ની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેમણે ઘણી ફિલ્મો પણ કરી. ૧૭ એપ્રિલ, ૨૦૦૪ ના રોજ, અભિનેત્રી એક રાજકીય કાર્યક્રમમાં હાજરી આપવા માટે કરીમનગર જઈ રહી હતી. તેમનો ભાઈ અમરનાથ પણ તેમની સાથે હાજર હતો. પછી વિમાન ક્રેશ થયું અને બંનેના મોત થયા. સૌંદર્યાએ માત્ર 31 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહ્યું. તેનો પરિવાર તેનો મૃતદેહ પણ મેળવી શક્યો નહીં. 

  • Follow us on: