- 'ધૂમ'ના દિગ્દર્શક સંજય ગઢવીનું હાર્ટ એટેકથી નિધન
- મોર્નિંગવોક માટે જઇ રહ્યા હતા, હોસ્પિટલ પહોંચે તે પહેલો નિધન
- 57 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું
જાણીતા દિગ્દર્શક સંજય ગઢવીનું નિધન થયું છે. આજે 19 નવેમ્બર, રવિવારે સવારે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે 57 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. મળતી માહિતી મુજબ, જ્યારે તે સવારે લોખંડવાલા બેકરોડમાં મોર્નિંગવોક કરવા નીકળ્યા હતા ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તેઓ પરસેવાથી તરબતર થઈ ગયા હતા. આ પછી, સંજય ગઢવીને તાકીદે નજીકની સૌથી મોટી કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ સંજય ગઢવીને મૃત જાહેર કર્યા હતા.
દિગ્દર્શક સંજય ગઢવીના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ
સુપરહિટ ફિલ્મ 'ધૂમ'ના દિગ્દર્શક સંજય ગઢવીના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ છે. તેમની આ દુનિયામાંથી વિદાય બોલિવૂડ માટે મોટી ખોટ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંજય ગઢવીને મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, તેઓ જ્યાં મોર્નિંગ વોક કરવા ગયા હતા ત્યાંથી કોકિલાબેન અંબાણી હોસ્પિટલનું અંતર માત્ર એકથી દોઢ કિલોમીટર હતું. ડિરેક્ટર સંજય ગઢવીના નશ્વર દેહ હાલમાં કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં છે.
આજે સાંજે અંતિમ સંસ્કાર થશે
તેમના અંતિમ સંસ્કાર 19 નવેમ્બરની મોડી સાંજ સુધીમાં કરવામાં આવશે. તેમના નિધન બાદ અનેક જાણીતી હસ્તીઓ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહી છે. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘેરો આઘાત લાગ્યો છે. તેમણે બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેઓ લોખંડવાલા અંધેરી વેસ્ટની ગ્રીન એકર સોસાયટીમાં રહેતા હતા. તાજેતરમાં જ સંજય ગઢવીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી.
આ ફિલ્મોનું નિર્દેશન સંજય ગઢવીએ કર્યું હતું
શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. સંજય ગઢવીએ 'ધૂમ' અને 'ધૂમ 2'નું નિર્દેશન કર્યું હતું. તેણે 'તેરે લિયે', 'કિડનેપ', 'મેરે યાર કી શાદી હૈ', 'ઓપરેશન પરિંદે' અને 'અજબ ગજબ લવ' જેવી શાનદાર ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું.