• આજે અમિતાભ ઉજવાશે તેમનો 81મો જન્મ દિવસ
  • ‘કૂલી’ શૂટિંગ દરમિયાન થયો હતો બિગ બીને મોતનો ભેટો
  • 5 દશકથી અમિતાભ કરે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ

બૉલીવુડના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચન આજે 11 ઓકટોબરના રોજ પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. બિગ બીને કોઈ સદીના મહાનાયક કહે છે તો કોઈ તેમને શહેનશાહ ગણાવે છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા જ એક્ટિવ રહે છે. તેઓ પોતાના ચાહકો માટે અવારનવાર ફોટોઝ પણ શેર કરતાં રહે છે. બિગ બી આજે તેમનો 81મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. અમિતાભ બચ્ચન લગભગ 5 દશકથી ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. આજે તેમના જન્મ દિવસે ચાલો જાણીએ તેમના જીવનના કેટલાંક રસપ્રદ કિસ્સાઓ અંગે.

અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર, 1942ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. તેમના પિતા હરિવંશ રાય બચ્ચન હિન્દી સાહિત્યના જગતના જાણીતા કવિ હતા. તેમના માતાનું નામ તેજી બચ્ચન હતું. અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1969માં કરી હતી અને ફિલ્મ 'સાત હિન્દુસ્તાની'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અમિતાભ માટે એક અભિનેતા તરીકે અહીં પહોંચવું બિલકુલ સરળ ન હતું. પોતાની કારકિર્દીની શરૂઆતમાં બિગ બીને તેમની ઊંચાઈ અને અવાજને લઈને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, તેમણે હાર ન માની અને આજે તેઓ માત્ર દેશના જ નહિ પરંતુ વિશ્વભરમાં લોકોના દિલો પર તેઓ રાજ કરે છે.

બિગ બી અમિતાભ બચ્ચન વર્ષમાં એક વાર નથી પરંતુ બે વાત તેમનો જન્મદિવસ ઉજવે છે, જેની પાછળ એક ખાસ કારણ છે. 11 ઓક્ટોબરે પ્રથમ જન્મદિવસ ઉજવે છે. તેમનો જન્મ આ દિવસે થયો હતો અને 2 ઓગસ્ટના રોજ તેમનો બીજો જન્મદિવસ ઉજવે છે. વર્ષ 1982માં આ દિવસે તેમનો બીજી વખત જન્મ થયો હતો. આ દિવસે તેઓ મૃત્યુના મુખ માંથી પાછા આવ્યા હતા.

ઘટના 'કુલી' ફિલ્મના શૂટિંગ દરમિયાનની છે જ્યારે બિગ બીનો બેંગલુરુમાં અકસ્માત થયો હતો, જે દરમિયાન તેઓ લગભગ મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા. 24 જુલાઈ, 1982ના રોજ, બેંગલુરુમાં ફિલ્મ 'કુલી'ના એક્શન સીન દરમિયાન, અમિતાભ બચ્ચનને ભૂલથી પુનીત ઈસાર પેટમાં મુક્કો મારે છે.

બાદમાં, બિગ બીની હાલત એટલી ખરાબ થઈ જાય છે કે તેમને તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ડોક્ટર્સ તેમની મલ્ટિપલ સર્જરી કરે છે. સર્જરી બાદ તેમણે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે છે. તેમ છતાં તેમની સ્થિતિમાં કોઈ સુધારો આવતો ન હોવાથી ડૉક્ટર્સે તેમનું વધુ એક મોટું ઓપરેશન કરવું પડે છે. ડોક્ટર્સ જણાવે છે કે બિગ બીની સ્થિતિ અત્યંત નાજુક છે. એટલું જ નહિ ડોક્ટર્સ અમિતાભ બચ્ચનને મૃત પણ જાહેર કરી દે છે. જોકે, 2 ઓગસ્ટના રોજ બિગ બી અંગુઠો હલાવે છે અને બાદમાં ધીરે ધીરે તેમની તબિયતમાં સુધારો આવવા લાગે છે.

આ સમય દરમિયાન માત્ર અમિતાભ બચ્ચનનો પરિવાર જ નહીં પરંતુ તેમના લાખો ચાહકો પણ તેમના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. અમિતાભ બચ્ચનને 24 સપ્ટેમ્બરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ચાહકો તેમને મળવા પહોંચ્યા હતા. બિગ બીએ હૉસ્પિટલની બહાર પ્રશંસકોને કહ્યું હતું કે, 'જીવન અને મૃત્યુ વચ્ચેની ભીષણ અગ્નિપરીક્ષા હતી. બે મહિનાની હોસ્પિટલમાં રહેવાની અને મોત સાથેની લડાઈ પૂરી થઈ. હવે હું મૃત્યુને જીતીને મારા ઘરે પાછો ફરી રહ્યો છું.


  • Follow us on: