ટેલિવિઝનના જાણીતા કપલ જેનિફર વિંગેટ અને કરણ સિંહ ગ્રોવર ફરી એકવાર પડદા પર સાથે જોવા મળી શકે છે. બંને 'દિલ મિલ ગયે' સીરિયલમાં સાથે જોવા મળ્યા હતા જ્યાંથી તેમનો રોમાંસ શરૂ થયો હતો. ધીમે ધીમે ભૂતપૂર્વ કપલનો ઓન-સ્ક્રીન રોમાંસ ઓફ-સ્ક્રીન રોમાંસમાં ફેરવાઈ ગયો. હવે છૂટાછેડાના 11 વર્ષ પછી આ કપલ સાથે જોઈ શકાશે.. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને કરણ જોહરના આગામી રિયાલિટી શો 'ધ ટ્રેટર્સ'માં સાથે જોવા મળી શકે છે. આ શો આંતરરાષ્ટ્રીય શોનું ભારતીય સંસ્કરણ છે જેમાં સ્પર્ધકો છેતરપિંડી અને પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરતા જોવા મળશે.
ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ મુજબ, કરણ સિંહ ગ્રોવર અને જેનિફર વિંગેટ 'ધ ટ્રેટર્સ'માં સામસામે આવી શકે છે. જેનિફર વિંગેટ અને કરણ સિંહ ગ્રોવર બંનેએ આ શોનો ભાગ બનવા માટે સંમતિ આપી છે. આ શોનું ફોર્મેટ એવું છે કે સેલિબ્રિટી સ્પર્ધકો એકબીજા સામે ટકરાશે. જ્યાં તેઓ 'ટ્રેટર્સ' એટલે કે છેતરપિંડી કરનારાઓને ઓળખવાનો પ્રયાસ કરશે. આ સમય દરમિયાન, તેમણે એક ગુપ્ત ટીમ બનાવવી પડશે અને માનસિક અને શારીરિક પડકારોનો સામનો કરવો પડશે.













