બોલીવુડમાં અત્યારે સિકવલ ફિલ્મોની બોલબાલા છે. બોલીવુડ સેલિબ્રિટી એકબાજુ કાન્સમાં જલવો બતાવી રહ્યા છે. કાન્સમાં જ્હાનવી અને ઇશાન ખટ્ટરની ફિલ્મ હોમબાઉન્ડના સ્ક્રીનિંગ વખતે લોકોએ સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું. ત્યારે બીજી બાજુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોની ફાઈટને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. હેરાફેરીની સિકવલ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલા જ વિવાદમાં સપડાઈ છે.
અક્ષય કુમારે અભિનેતા પર કેસ ઠોક્યો
'હેરા ફેરી' ફ્રેન્ચાઇઝીના બાબુ ભૈયા એટલે કે પરેશ રાવલે ફિલ્મ છોડી દેતા અક્ષય કુમારે કાનૂની દાવો માંડયો હતો. જેના બાદ પરેશ રાવલ અને અક્ષય કુમાર વચ્ચે દોસ્તીના સંબંધો વધુ વણસ્યા હતા. 'હેરા ફેરી 3' અને પરેશ રાવલનો વિવાદ અટકવાનું નામ લેતો નથી. તાજેતરમાં, અભિનેતાએ આગામી ફિલ્મ 'હેરા ફેરી 3' માંથી સત્તાવાર રીતે પીછેહઠ કરી. હવે અહેવાલો કહે છે કે પરેશ રાવલે સાઇનિંગ રકમ પરત કરી દીધી છે. જાણો અભિનેતાએ આ પગલું કેમ ભર્યું.
વ્યાજ સહિત આપ્યા પૈસા
મીડિયા અહેવાલ મુજબ, એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેતા પરેશ રાવલને 'હેરા ફેરી 3' માટે સાઇનિંગ અમાઉન્ટ તરીકે 11 લાખ રૂપિયા મળ્યા હતા, જે તેમણે વાર્ષિક 15 ટકા વ્યાજ સાથે પરત કર્યા છે. જોકે, એવું જાણવા મળ્યું હતું કે અભિનેતાએ ફિલ્મ છોડવા માટે થોડા વધારાના પૈસા ચૂકવ્યા હતા જેથી નિર્માતાઓને કોઈ અસુવિધા ન થાય.
'હેરા ફેરી 3' માટે પરેશ રાવલને કેટલા રૂપિયા મળ્યા
મળતી માહિતી મુજબ અભિનેતા પરેશ રાવલને 'હેરા ફેરી 3' માટે ફી તરીકે 15 કરોડ રૂપિયા ચૂકવવાના હતા, જેમાંથી 11 લાખ રૂપિયા તેમને સાઇનિંગ અમાઉન્ટ તરીકે આપવામાં આવ્યા હતા. આ સાથે, બાકીના 14 કરોડ 89 લાખ રૂપિયા ફિલ્મ રિલીઝ થયાના એક મહિના પછી મળવાના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેતાને આ નિયમો અને શરતો પસંદ ન હતી, કદાચ તેથી જ તેમણે આ નિર્ણય લીધો. આ ફિલ્મ કોઈપણ સંજોગોમાં 2026 ના અંત પહેલા રિલીઝ થઈ શકશે નહીં.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું સામે આવ્યું છે કે બોલિવૂડ અભિનેતાની કંપની 'કેપ ઓફ ગુડ ફિલ્મ્સ' એ પરેશ રાવલ વિરુદ્ધ 25 કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે અચાનક ફિલ્મ છોડી દેવાના નિર્ણયથી ફિલ્મ નિર્માતાઓને મોટું નુકસાન થયું છે.