"ઓપરેશન સિંદૂર"ને લઇને તમામ કલાકારો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાનું સમર્થન જાહેર કરી રહ્યા છે. અને સાથે જ ભારતીય સેનાની પ્રશંસા પણ કરી રહ્યા છે. તો આ તરફ, ટીવી સિરીયલ અભિનેત્રી હિના ખાને પણ એક પોસ્ટ લખી છે અને તેમાં કહ્યુ છે કે, હું સૌથી પહેલા ભારતીય છું. અને જો ભારતીય નથી તો હું કઇં જ નથી. જો કોઇને મારાથી તકલીફ હશે તો તેઓ મને અનફોલો કરી શકે છે. મને ફરક પડશે નહી.
હિના ખાનને પાકિસ્તાની ફેન્સ પર આવ્યો ગુસ્સો
ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવનો અસર મનોરંજન જગત પર પણ પડી રહ્યો છે. ટીવીથી લઇને ફિલ્મ સ્ટાર્સ ભારતીય સેનાની પ્રશંસા કરવાની સાથે તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. તો આ તરફ, ટીવી સિરીયલ અભિનેત્રી હિના ખાને "ઓપરેશન સિંદૂર"નું સમર્થન કર્યુ છે. અને ભારતીય હોવા પર ગર્વ વ્યક્ત કર્યો છે. હિના ખાનની પોસ્ટ વાયરલ થતા તેના પાકિસ્તાની ફેન્સે તેને ધમકીઓ અને અપશબ્દો બોલવાનું શરુ કર્યુ છે. પરંતુ આ બધી નકારાત્મક વાતોનો હિના ખાને જડબાતોડ જવાબ આપ્યો છે. હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, “હું એક કલાકાર છું, તેથી મેં હંમેશા સરહદ પારના લોકોને પ્રેમ કર્યો છે. "ઓપરેશન સિંદૂર" પહેલા અને પછી મારા દેશને ટેકો આપવા બદલ તમારામાંથી ઘણા લોકોએ મને ગાળો આપી અને અનફોલો કરી છે. ઘણા મને અનફોલો કરવાની ધમકી પણ આપી રહ્યા છે. હિના ખાને વધુમાં લખ્યું છે કે, ધમકીઓની સાથે કેટલાક લોકો અપશબ્દો, અભદ્ર અને અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કરી રહ્યા છે. તેમના આ શબ્દો મારી બીમારી, પરિવાર અને મારા ધર્મ માટે પણ છે. તમારે આ સમય દરમિયાન થોડી માનવતા તો બતાવવી જોઈએ. જે રીતે હું તમારા બધા સાથે વર્તુ છું. તેવું જ વર્તન તમે અમારા માટે કરો, પણ મને લાગે છે કે આ જ આપણી વચ્ચેનો ફરક છે."
હું પહેલા ભારતીય છુંઃ હિના ખાન
હિના ખાને પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે, "જો હું ભારતીય નથી, તો હું કંઈ નથી. હું હંમેશા પહેલા ભારતીય રહીશ. તો તમે લોકો મને અનફોલો કરી શકો છો. મને કોઈ ફરક પડતો નથી. મેં ક્યારેય કોઈને ખરાબ કહ્યું નથી. મેં ફક્ત મારા દેશને ટેકો આપ્યો છે." તમને જણાવી દઈએ કે અગાઉ હિના ખાને કહ્યું હતું કે યુદ્ધમાં કોઈ જીતતું નથી. ફક્ત નિર્દોષ લોકો જ મરે છે.