સ્ટેન્ડ અપ કોમેડીના નામે અશ્લીલતા ફેલાવવા મામલે સમય રૈનાના શો India’s Got Latent વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદ બાદ સમય રૈના અને રણવીર અલહાબાદીયા મુશ્કેલીમાં મુકાયા છે. આ સ્ટેન્ડ અપ કોમેડી શો બેન કરવા માટે પણ માંગ ઉઠી રહી છે. માતા-પિતા વિશે કરાયેલી ટીપ્પણી બાદ સમય રૈના અને રણવીર અલહાબાદીયા સામે દર્શકોમાં રોષ ભભૂક્યો છે. તો આ તરફ હિન્દુ આઇટી સેલે પણ ફરિયાદ નોંધાવી છે. તો મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ કાર્યવાહીની વાત કરી છે.
કોમેડીના નામે અશ્લીલતા કેમ ?
સ્ટેન્ડ અપ કોમેડી શો India’s Got Latent મામલે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ શોમાં હાલમાં મેહમાન બનીને રણવીર અલહાબાદીયા અને આશીષ ચંચલાની આવ્યા હતા. શોના હોસ્ટ તરીકે સમય રૈના જોવા મળે છે. કોમેડીના નામે રણવીર અલહાબાદીયાએ માતા-પિતા અંગે અશ્લીલ ટીપ્પણી કરી હતી. અને આ કમેંટ બાદ દર્શકો ગુસ્સામાં જોવા મળ્યા હતા. આમ તો સમય રૈનાનો વિવાદો સાથે જુનો સંબંધ છે. પરંતુ આ વખતે તેઓ કાયદાકીય સકંજામાં જોવા મળી રહ્યા છે. તો આ તરફ હિન્દુ આઇટી સેલે પણ ફરિયાદ નોંધાવી છે. India’s Got Latentશોમાં અશ્લીલ કમેંટ, નસ્લીય ટીપ્પણીથી હોબાળો મચ્યો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ રોષ ઠાલવી રહ્યા છે. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ કાર્યવાહીની વાત કરી છે.
દિલ્લીમાં પણ ફરિયાદ નોંધાઇ
સ્ટેન્ડ અપ કોમેડી શો India’s Got Latent મામલે મુંબઇમાં જ નહી પરંતુ દિલ્હીમાં પણ ફરિયાદ નોંધાઇ છે. નવીન જિંદાલ નામના વકીલે સાયબર પોલીસ અને દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આવા લોકો આપણી સંસ્કૃતિ અને સામાજિક વાતાવરણ બગાડી રહ્યા છે અને તેમની સામે કાર્યવાહી જરૂરી છે. આ ઉપરાંત ફરિયાદમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે સમય રૈનાના આ શો પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ પ્રતિબંધ અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સીએમ ફડણવીસે શું કહ્યું?
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ શો વિશે કહ્યું, "મને તેના વિશે માહિતી મળી છે. જોકે મેં તેને હજુ સુધી જોયો નથી. મને ખબર પડી છે કે વસ્તુઓ અણઘડ રીતે ચલાવવામાં આવી રહી છે, જે બિલકુલ ખોટી છે. વાણી સ્વાતંત્ર્ય દરેક માટે છે, પરંતુ જ્યારે આપણે બીજાની સ્વતંત્રતામાં દખલ કરીએ છીએ ત્યારે આપણી સ્વતંત્રતા સમાપ્ત થાય છે. આ બરાબર નથી. દરેકની પોતાની મર્યાદા હોય છે, અમે અશ્લીલતા માટે પણ નિયમો નક્કી કર્યા છે. જો કોઈ તેમને ઓળંગશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ખરેખર, IT સેલ નામની સંસ્થાએ તેની એક્સ-પોસ્ટ પર માહિતી આપી છે. તેમણે લખ્યું કે હાસ્ય કલાકારો સમય રૈના અને રણવીર અલ્હાબાદિયા વિરુદ્ધ માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ 'અશ્લીલતાને પ્રોત્સાહન આપવા'ના આરોપમાં દાખલ કરવામાં આવી છે.
વિવાદો બાદ હવે માફી
સોશિયલ મીડિયામાં વિવાદો બાદ અને મુંબઇથી દિલ્હી સુધી ફરિયાદ નોંધાયા પછી રનવીરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર્શકોની માફી માગી છે. તેણે પોતાના વીડિયોમાં કહ્યુ છે કે, જે કંઇ થયુ એના માટે માફી માગું છું. મારે આવી વાત ન કરવી જોઇએ. મને માફ કરી દો. આ માફી માગતા વીડિયો બાદ યુઝર્સ કમેંટ દ્વારા પોતાના મંતવ્યો જણાવી રહ્યા છે.