indias got latent શૉનો વિવાદ વધતો જ જાય છે. સમય રૈનાની મુશ્કેલી વધી રહી છે. ગઇકાલે મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા યુ ટ્યૂબને વિવાદિત એપિસોડ ડીલીટ કરવાનો પત્ર લખ્યો હતો. જે બાદ ગઇ કાલે રાત્રે જ સમય રૈનાની પ્રતિક્રિયા સામે આવી હતી. સમય રૈનાએ એક સ્ટોરી પોસ્ટ કરીને માહિતી આપી હતી કે તેણે બધા વીડિયો ડિલીટ કરી દીધા છે, પરંતુ સમય રૈનાની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી.
તો શું ભારતી સિંહની પણ થશે પૂછપરછ?
હાલ સમય રૈનાના બધા 18 એપિસોડ તપાસ હેઠળ છે. આ 18 એપિસોડમાં જે પણ જજ તરીકે આવ્યા હતા તેમની પણ પૂછપરછ થવાની છે. શો દરમિયાન અપશબ્દોનો ઉપયોગ કરનારાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. શોમાં હાજર રહેલા ઓડિયન્સનું પણ નિવેદન નોંધાશે. મહત્વનું છે કે IGL માં આવેલા 32 જજની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી કેટલાકને તો પૂછપરછ માટે નોટિસ મોકલવામાં આવી છે. જ્યારે અન્યને નોટિસ મોકલવામાં આવી રહી છે. એ વાત સ્પષ્ટ છે કે ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાએ પણ શોમાં ભાગ લીધો હતો, તેમને પણ પૂછપરછ માટે નોટિસ મોકલવામાં આવી શકે છે.
આશિષ ચંચલાની અને અપૂર્વ માખીજાનું નિવેદન નોંધાયું
શોના છેલ્લા એપિસોડમાં દર્શાવવામાં આવેલા આશિષ ચંચલાની અને અપૂર્વ માખીજાને પોલીસે તેમના નિવેદનો નોંધવા માટે બોલાવ્યા હતા. બંનેએ ખાર પોલીસ સ્ટેશનમાં પોતાના નિવેદનો નોંધાવ્યા છે. પોલીસે રણવીર અલ્હાબાદિયાને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. રૈના દેશની બહાર હોવાથી, તેને 14 દિવસની અંદર પોતાનું નિવેદન નોંધાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.
રણવીર અલ્હાબાદિયાએ માફી માંગી
રણવીર અલ્હાબાદિયાની ટિપ્પણી બાદ વિવાદ વધુ વકર્યો છે. શો દરમિયાન, રણવીરે એક સ્પર્ધકને તેના માતાપિતા વિશે અશ્લીલ પ્રશ્ન પૂછ્યો હતો, જેના પછી સોશિયલ મીડિયા પર તેના વિરુદ્ધ ગુસ્સો ફાટી નીકળ્યો હતો. જ્યારે મામલો વધુ વકર્યો ત્યારે રણવીર અલ્હાબાદિયાએ એક વીડિયો શેર કરીને માફી માંગી હતી. રણવીરે કહ્યું કે કોમેડી તેની ખાસિયત નથી અને તેણે જે કંઈ કહ્યું તે યોગ્ય કે રમુજી નહોતું. રણવીરે કહ્યું કે તે કોઈ સ્પષ્ટતા આપવા માંગતો નથી, તે ફક્ત માફી માંગવા માંગે છે.
વિવાદ પછી સમય રૈનાએ પહેલીવાર આપી પ્રતિક્રિયા
સમય રૈનાએ ગઈકાલે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી અને કહ્યું કે જે કંઈ થઈ રહ્યું છે તે તેના માટે ખૂબ જ વધારે પડતું છે અને તે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના બધા એપિસોડ ડિલીટ કરી રહ્યો છે. યુટ્યુબ પર આ શોનો કોઈ એપિસોડ ઉપલબ્ધ નથી.