કંગના રનૌત અને જાવેદ અખ્તરે ડિસેમ્બર 2024 માં તેમની કાનૂની લડાઈનો ઉકેલ લાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ જાવેદ અખ્તર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયા પરંતુ કામગના રનૌત સંસદીય કાર્યમાં વ્યસ્ત હોવાને કારણે કોર્ટમાં પહોંચી શક્યા નહીં. આજે બંને કોર્ટમાં હાજર થયા અને તેમણે મધ્યસ્થી દ્વારા મામલો ઉકેલી નાખ્યો છે.
માનહાનિના કેસમાં જાવેદ અખ્તર સાથે સમાધાન થયા બાદ, કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ મૂકી છે. અભિનેત્રીએ કોર્ટમાંથી જ જાવેદ અખ્તર સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ સાથે, તેણીએ કેપ્શનમાં જણાવ્યું છે કે સમાધાન પછી, જાવેદ અખ્તર અભિનેત્રીની ફિલ્મ માટે ગીતો લખવા માટે પણ સંમત થયા છે.
શું છે સમગ્ર મામલો ?
કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે 2016 માં શરૂ થયેલી કાનૂની લડાઈ હવે સમાપ્ત થઈ ગઈ છે. આ વિવાદ માર્ચ 2016 માં અખ્તરના નિવાસસ્થાને યોજાયેલી એક બેઠકના આધારે શરૂ થયો હતો. તે સમયે કંગના રનૌત અને અભિનેતા ઋત્વિક રોશન વચ્ચેના કથિત ઇમેઇલ વિશે ઘણી ચર્ચા થઈ હતી, જે પાછળથી વિવાદમાં ફેરવાઈ ગઈ હતી. રોશનની નજીક ગણાતા અખ્તરે રનૌત સાથે મુલાકાત કરી હતી અને તેણીને રોશનની માફી માંગવા કહ્યું હોવાના અહેવાલ છે.
તે સમયે કંગના રનૌતે આનો કોઈ જવાબ આપ્યો ન હતો. પરંતુ 2020 માં, જ્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો કથિત આત્મહત્યાનો કેસ ચાલી રહ્યો હતો, ત્યારે રનૌતે એક ટેલિવિઝન ઇન્ટરવ્યુ દરમિયાન અખ્તર સાથે 2016 ની મુલાકાત વિશે વાત કરી હતી. અખ્તરને ઇન્ટરવ્યૂ અપમાનજનક લાગ્યો અને બાદમાં તેણે રનૌત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો. કાનૂની વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે રનૌતે અખ્તર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે તેણે તેણીને માફી માંગવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો. ત્યારથી ડિંડોશી સેશન્સ કોર્ટે અખ્તર સામેની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.